– પરસ્ત્રી સાથેના અનૈતિક સંબંધને પગલે પતિ-પત્ની વચ્ચે રોજબરોજ ઝઘડા થતા હતાઃ રત્નકલાકાર પતિના મોબાઇલમાં પરસ્ત્રી સાથેના ફોટો જોતા પત્નીએ ઠપકો આપ્યો હતો
સુરત, તા. 20 એપ્રિલ, ગુરૂવાર : અમરોલી-છાપરાભાઠા રોડ વિસ્તારમાં પતિના પરસ્ત્રી સાથેના અનૈતિક સંબંધથી કંટાલી એક સંતાનની માતાના આપઘાત પ્રકરણમાં અમરોલી પોલીસે રત્ન કલાકાર પતિ વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામની ગીતા એભાભાઇ ચાંડપા (ઉ.વ. 35) ના વર્ષ 2013 માં રત્ન કલાકાર અશોક બચુભાઇ મકવાણા (ઉ.વ. 38 રહે. અક્ષર રો હાઉસ, છાપરાભાઠા રોડ, અમરોલી અને મૂળ રહે. નાની મોણપરી, તા. વિસાવદર, જૂનાગઢ) સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં એક પુત્ર છે.બે દિવસ અગાઉ વહેલી સવારે 3 વાગ્યાના અરસામાં ગીતાએ ફોન કરી તેના ભાઇ ભાવેશ એભાભાઇ ચાંડપા (ઉ.વ. 31 રહે. વણકરવાસ, રામદેવપીર મંદિર પાસે, વેરાવળ, ગીર સોમનાથ) ને ફોન કરી કહ્યું હતું કે તારા બનેવી મને મારે છે,તમે સુરત આવો.જેથી બીજા દિવસે ભાવેશ તેના પરિવારના સભ્યો સાથે સુરત આવવાની તૈયારી કરી રહ્યો હતો.તે દરમિયાન ગીતાએ પુનઃ ફોન કરી ભાવેશને કહ્યું હતું કે અશોકનો મોબાઇલ ચેક કર્યો તો તેમાં પરસ્ત્રી સાથે અશોકના ફોટો હતા.જેથી આ બાબતે અશોકની પૃચ્છા કરતા તેણે પુનઃ ગીતાને બેરહમી પૂર્વક માર મારતા તેણીએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેથી અમરોલી પોલીસે અશોક મકવાણા વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.