આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

88

ગુજરાત રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ઠેક-ઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે આજે પણ સવારથી રાજકોટ,જામનગર,સુરત સહિત અનેક શહેર તથા જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદ શહેરમાં પણ સવારથી જ આકાશમાં વાદળો ઘેરાયેલા છે.ત્યારે આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,ખાસ કરીને હાલ દક્ષિણ ગુજરાત અલર્ટ મોડ પર છે.પંચમહાલ,દાહોદ,વડોદરા,સુરત,સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

વરસાદની આગાહી બાદ તંત્ર પણ અલર્ટ થયું છે.આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં વરસાદને લઈ તૈયારી અંગે પણ ચર્ચા થઇ શકે છે. NDRFની ટીમને લઈ આજે નિર્ણય લેવાય તેવી સંભાવના છે.રાજ્યના 10 જિલ્લાઓમાં હાલ યલો અલર્ટ છે,જ્યારે ભારે વરસાદની સંભાવના છે,જેમાં રાજકોટ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,દાહોદ,સુરત,તાપી,ડાંગ,નવસારી અને વલસાડનો સમાવેશ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય,પૂર્વ તથા પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.અમદાવાદ જિલ્લામાં પણ આગામી 48 કલાક વરસાદની આગાહી કરાઇ છે.ગઇકાલે શહેરમાં માત્ર દોઢ કલાકના વરસાદે તંત્રની પોલ ખોલી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાય હતા.ત્યારે તંત્ર દ્વારા કરાયેલ પ્રી-મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થયા છે.પાણી ભરાતા વાહન ચાલકોમાં પણ મુશ્કેલી સર્જાઇ હતી, તથા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

સુરત શહેરમાં પણ આજે સવારથી જ વરસાદે બેટિંગ શરૂ કરી છે,ત્યારે અનેક જગ્યા એ રસ્તાઓ પર પાણી ભરાયા છે.ગાંધીબાગ પાસે પાણી ભરાતા મેયરે પાણીનો નિકાલ કરાવ્યો હતો.નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે,ત્યારે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઊભા થયા છે.પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખૂલતાં આજે ખુદ મેયરે મેદાને ઊતરવું પડ્યું.સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો.

NDRF તથા SDRFના અધિકારી દ્વારા જણાવાયું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

Share Now