કચ્છના મુન્દ્રાની ખાનગી શાળામાં હિંદુ બાળકોને ઇસ્લામીક ટોપી પહેરાવી ઈદના દિવસે અદા કરાવાઈ નમાજ

70

ઈદના દિવસે શાળામાં હિંદુ બાળકોને નમાજ અદા કરાવવા બદલ કચ્છની એક શાળા વિવાદમાં આવી છે.આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.અહીં ઈદના દિવસે બાળકોને ટોપી પહેરાવીને ‘સ્કૂલ એક્ટિવિટી’ના નામે નમાજ અદા કરાવડાવવામાં આવી હતી.જેને લઈને ભારે વિરોધ થયા બાદ શાળાએ માફી માંગવી પડી છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે,જેમાં અમુક બાળકોના માથે મુસ્લિમો પહેરે તેવી ગોળ ટોપી પહેરાવવામાં આવી છે અને તેઓ નમાજ અદા કરતા જોવા મળી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર, આ વિડીયો મુન્દ્રાની પર્લ સ્કૂલનો છે અને જે બાળકો પાસે આ બધું કરાવવામાં આવી રહ્યું હતું તેઓ હિંદુ છે.કચ્છની ખાનગી શાળા પર્લ સ્કૂલમાં બાળકો પાસે નમાજ અદા કરાવવાનો આ વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.આ વિડીયો શાળાએ જ પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો,પરંતુ હાલ તે જોવા મળી રહ્યો નથી.જેથી વિવાદ બાદ તે હટાવી લેવામાં આવ્યો હોવાની સંભાવના નકારી શકાય નહીં.

શિક્ષણાધિકારીએ આ મામલે જણાવ્યું કે, અમને આ મામલે એક વિડીયો મળ્યો છે અને તેની તપાસ કરવા માટે એક ટીમને મુન્દ્રા મોકલવામાં આવી છે.અમે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને તપાસ બાદ શાળા સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.અમારી ટીમ વાલીઓ,બાળકો અને શાળા સંચાલકોને મળીને મામલાની યોગ્ય તપાસ કરશે.બીજી તરફ આ મામલે શાળાનાં આચાર્ય પ્રીતિ વાઘવાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, ઈદના તહેવાર નિમિત્તે અમે શાળાનાં બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું,અમે બાળકોને વિવિધ ધર્મોના તહેવારોની ઉજવણી માટેની સમાજ માટે આવા કાર્યક્રમો કરીએ છીએ.શાળામાં અનેક એક્ટિવિટી કરાવીએ છીએ, રંતુ અમારો ઈરાદો કોઈને મનદુઃખ પહોંચાડવાનો બિલકુલ ન હતો.બીજી વખત આવી ભૂલ ન થાય તેવી ખાતરી આપું છું.શાળાની વેબસાઈટ અનુસાર, અબુ સાહબાન મોહમદ નજિબ અબ્બાસી ટ્રસ્ટના પ્રમુખ છે.જ્યારે અબ્દુલહમિદ ઇબ્રાહિમ ખત્રી કોષાધ્યક્ષ છે.

Share Now