
વડોદરા : હિન્દુ યુવક સાથે જોવા મળતી મુસ્લિમ કોમની યુવતીનો વીડિયો વાયરલ કરતા અને યુવકને મારપીટ કરતા ગુ્રપ સાથે અન્ય શહેરોના પણ કેટલાક લોકો સંપર્કમાં હોવાની વિગતો બહાર આવતાં સમગ્ર તપાસમાં હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.આ તપાસમાં સાયબર સેલના એસીપી પણ સામેલ થયા છે.
વડોદરાના અકોટા વિસ્તારમાં હિન્દુ યુવક સાથે લઘુમતી કોમની યુવતીનો વાયરલ થયેલા વીડિયોના બનાવમાં શહેર પોલીસ કમિશનરે તપાસ કરાવતાં આ વીડિયો આર્મી ઓફ મહદી (એ.એસ.)ગુ્રપમાં વાયરલ થયો હોવાની વિગતો ખૂલી હતી.જેથી ડીસીપી અભય સોનીના નેજા હેઠળ તપાસ કરવામાં આવી હતી.ગોત્રી પોલીસે ગુ્રપના ત્રણ એડમિન તેમજ બીજા પાંચ સાગરીતો સહિત કુલ આઠ જણાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.તો બીજી તરફ આજે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતે પત્રકાર પરિષદમાં કોમી વૈમનસ્ય ફેલાવતા આવી પ્રવૃત્તિ વિશે કેટલીક ચોંકાવનારી વિગતો આપતાં કહ્યું હતું કે,આ ગુ્રપ સાથે અમદાવાદ,આણંદ,ભાવનગર જેવા શહેરોના પણ કેટલાક લોકો સંપર્કમાં હોવાની વિગતો જાણવા મળી છે.જેથી હવે પછી આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને સાયબર સેલ પણ તેમાં જોડાશે.
અન્ય શહેરની યુવતી કોની સાથે નીકળી છે,ક્યા વાહન પર જઇ રહી છે જેવી વિગતો શેર કરવામાં આવતી હોવાની અમને આશંકા છે.જેથી આ ગુ્રપના મેમ્બરોના મોબાઇલ ફોન પર થી તમામ વિગતો બહાર આવશે.અમદાવાદ ખાતે પણ થોડા સમય પહેલાં આવો જ એક વીડિયો વાયરલ થયો હતો.જેથી અમદાવાદ પોલીસના સંપર્કમાં રહી વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.સમગ્ર તપાસનો મદાર ફોરેન્સિક વિભાગમાંથી માહિતી આવે તેના પર છે.
ગુ્રપના મેસેજ અને ઓડિયો જોતાં ૫૦ લોકો ભોગ બન્યા હોવાની શક્યતા
હિન્દુ યુવક સાથે જોવા મળતી લઘુમતી કોમની યુવતીના વીડિયો ઉતારી લેનાર ગુ્રપના મેસેજો અને ઓડિયો ક્લિપ જોતાં ઓછામાં ઓછા ૫૦ લોકો ભોગ બન્યા હોવાની આશંકા સેવાઇ રહી છે.પોલીસ કમિશનરે કહ્યું હતું કે,અન્ય ધર્મના યુવક સાથે યુવતીને જોતાં જ ગુ્રપના કેટલાક સભ્યો મેસેજ કરતા હતા અને અહીં આવી જાવ,ટોળું બહું છે..તેમ કહી બોલાવી લેતા હતા.ત્યારબાદ યુવક સાથે મારપીટ કરવામાં આવતી હતી અને યુવતીને પણ ધમકાવી તેનો વીડિયો ઉતારી લેવામાં આતો હતો.તેના પરિવારજનોને પણ કનડગત કરાતી હોવાની માહિતી મળી છે.જે લોકોને ગુ્રપ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેવા લોકો ડર અને આબરૃને કારણે આગળ આવવા તૈયાર નથી.પરંતુ જો આવા લોકો પોલીસની મદદ માંગશે તો અમે તાત્કાલિક એફઆઇઆર કરીશું.આ ઉપરાંત પોલીસની મદદ લેનારા લોકોની ગુપ્તતા પણ જળવાશે.
સોશ્યલ મીડિયા ગુ્રપમાં સક્રિય વધુ પાંચ મેમ્બર્સને પાંચ દિવસના રિમાન્ડ
આર્મી ઓફ મહદી(એ.એસ.) નામના સોશ્યલ મીડિયા ગુ્રપમાં હિન્દુ યુવક સાથે જોવા મળતી લઘુમતિ કોમની યુવતીનો વીડિયો વાયરલ કરવાના બનાવમાં ગુ્રપમાં સક્રિય પાંચ જણાની ધરપકડ કર્યા બાદ આજે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે.પોલીસ દરેકની ભૂમિકા તપાસશે.રિમાન્ડ પર લેવાયેલા પાંચ આરોપીના નામ આ મુજબ છે.(૧) આકિબઅલી મહેબૂબઅલી સૈયદ(હુસૈનીચોક,પાણીની ટાંકી પાસે,જેતલપુર ગામ)(૨) મોહસીન જીકરૃલા પઠાણ(ધૂળધોયાવાડ,પ્રતાપ બંગલા સામે, ફતેપુરા)(૩) નોમાન અબ્દુલ રશીદ શેખ(કોર્પોરેશનના દવાખાના સામે,મહેબૂબ પુરા,નવાપુરા) (૪) અબરારખાન અનવરખાન સિન્ધી(મરીયમ કોમ્પ્લેક્સ, તાંદલજા) અને (૫) મોઇન ઇબ્રાહિમ શેખ (રેન બસેરા,એકતા નગર,સલાટવાડા)નો સમાવેશ થાય છે.
ભીડ જામતી હોય તેવા શ્રમજીવીઓ ગુ્રપને ટિપ આપતા હતા
ભીડ જામતી હોય તેવા લોકો પણ ગુ્રપને માહિતી આપવામાં સક્રિય રહેતા હોવાની માહિતી પોલીસને મળી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે,લઘુમતિ કોમની યુવતી અન્ય યુવક સાથે ખાણી પીણીની લારી પર આવે ત્યારે ત્યાંથી માહિતી લીક થતી હતી.
શ્રમજીવીને શંકા પડે એટલે તરત જ ગુ્રપને જાણ કરી દેતો હતો.જેથી ગુ્રપમાં મેસેજ મૂકીને બંને યુવક યુવતીને શોધી કાઢવામાં આવતા હતા.
યુવતીના પરિવારજનોને પણ બ્લેકમેલ કરતા હતા
યુવતીનો વીડિયો ઉતાર્યા બાદ તેના પરિવારજનોને પણ બ્લેકમેલ કરવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળતાં પોલીસ આવા પરિવારજનોનો સંપર્ક કરવા માટે પ્રયાસ કરી રહી છે.
ભાવનગર અને બનાસકાંઠાના વીડિયો બાબતે ફરિયાદનો પ્રયાસ
પોલીસના કહેવા પ્રમાણે,વાયરલ થયેલા એક વીડિયોમાં ભાવનગર અને બનાસકાંઠાના પીડિત હોવાને કારણે બંનેનો સંપર્ક કરીને પોલીસ ફરિયાદ નોંધાય તે માટે પ્રયાસ કરવામાં આવનાર છે.