– લાલબાગ ચા રાજાની પ્રતિમાનો 7 કરોડનો વીમો
– જીએસબીની ગણેશ પ્રતિમા પર 66 કિલો સોના તથા ૨૯૫ કિલો ચાંદીના દાગીના ચઢાવાય છે
મુંબઈ : શહેરના સૌથી સમૃદ્ધ ગણેશોત્સવ આયોજકો પૈકી એક કિંગ્સ સર્કલના ગૌડ સારસ્વત બ્રાહ્મણ સેવા મંડળે રૃા.૩૬૦ કરોડનો વીમો કઢાવીને નવો રેકોર્ડ સર્જ્યો છે.ગયા વર્ષે તેમણે રૃા. ૩૧૬ કરોડનો વિમો કરાવ્યો હતો.જો કે આ વીમા પોલીસી માટે તેમણે ચૂકવવાની પ્રીમિયમની રકમ વિશે કોઈ જાણકારી નથી અપાઈ.લાલબાગના ગણપતિ મંડળે પણ સાત કરોડનો વીમો કરાવીને સ્વયંસવેકો તેમજ જાહેર જનતાની સુરક્ષાને પ્રાથમિકતા આપી છે.
જન્માષ્ટમીથી શરૃ થતી અને ગણેશોત્સવ તેમજ નવરાત્રિ તરફ જતી તહેવારોની વ્યસ્ત મોસમ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ માટે મહત્વનો સમય છે.ઈવેન્ટ આયોજકો તેમની ઉજવણી સાથે સુસંગત હોય તેવી વીમા પોલીસી કઢાવવા ધસારો કરી રહ્યા છે. ગણેશોત્સવ માટે ખાસ કરીને ચતુર્થી અગાઉ વીમા પોલીસી માટે ધસારો શરૃ થાય છે અને છેક વિસર્જનના પછીના દિવસ સુધી ચાલુ રહે છે.મુંબઈના સૌથી લોકપ્રિય અને સમૃદ્ધ પૈકી એક એવા જીએસબી ગણેશ મંડળ દ્વારા ગયા વર્ષની સરખામણીએ વધુ વીમો કરાવવા પાછળ સોનાની વધતી કિંમતને જવાબદાર માનવામાં આવે છે.જીએસબીની મૂર્તિ પર જ ૬૬ કિલોગ્રામ સોનાના અને ૨૯૫ કિલોગ્રામ ચાંદીના દાગીના ચઢાવવામાં આવે છે.
ગણેશોત્સવ માટે વીમા કવરેજ વિવિધ પાસાને આવરી લે છે જેમાં કિંમતી વસ્તુઓ અને દાગીના,આગ અને વિશેષ અકસ્માત પોલીસી,જાહેર જનતાની સુરક્ષા અને સ્વયંસેવકો તેમજ સ્ટાફ માટે નોંધપાત્ર પ્રમાણમાં વ્યક્તિગત અકસ્માત કવરેજ સામેલ છે. અન્ય ગણેશોત્સવ મંડળો પણ તહેવારો દરમિયાન નાણાકીય નુકસાન અને અણધાર્યા બનાવો સામે રક્ષણ કરવાની જરૃરિયાતને સ્વીકારીને વીમો માંગીને વાષક તહેવારના આદેશનું પાલન કરે છે.જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ઉજવણી સુરક્ષિત અને આનંદદાયક રીતે થાય તે સુનિશ્ચિત કરવા ગણેશોત્સવ આયોજકોની વિશિષ્ટ જરૃરીયાત સંતોષવા તેમને સુસંગત હોય તેવી વીમા પોલીસી ઓફર કરે છે.
જીએસબી ગણેશોત્સવ મંડળે સ્પષ્ટતા કરી કે રૃા. ૩૬૦ કરોડની પોલિસીમાં તમામ જોખમો આવરી લેવાયા છે જેમાં રૃા. ૩૮.૪૭ કરોડ દાગીના માટે, રૃા. બે કરોડ આગ અને ધરતીકંપ સહિતના વિશેષ જોખમ માટે, રૃા. ૩૦ કરોડ જાહેર સુરક્ષા માટે અને રૃા. ૨૮૯.૫૦ કરોડનો સૌથી મોટો હિસ્સો વ્યક્તિગત સ્વયંસેવકો અને સ્ટાફ માટે અકસ્માત વિમા કવરનો છે.
બીજી તરફ મુંબઈ ચા રાજા ગણાતા લાલબાગ સ્થિત ગણેશ ગલ્લીના ગણેશ મંડળે પણ આશરે સાત કરોડ રૃપિયાનો વીમો કઢાવ્યો છે.તેમનું પ્રીમિયમ જ લગભગ રૃા. એક લાખ થાય છે.ગણેશ ગલ્લીમાં પંડાળ ખાતે લગભગ ૨૦૦ સ્વયંસેવકોને અકસ્માત કવર મળશે.લાલબાગના ગણપતિની મૂર્તિનો સોનાનો હાર અને મુગટ અઢી કરોડની કિંમતનો છે અને ચાંદીના દાગીના રૃા.૨૦ લાખના છે.ઉપરાંત આતંકી હુમલા અને જાહેર સુરક્ષાના જોખમને પણ આવરી લેવાયું છે.