– 24 કલાક પહેલા ભાજપ છોડવાની પોસ્ટ મુકનારા વાવલીયાએ આજે વિડિયો જાહેર કરી ગાંધીનગરથી કામો થવાની ખાતરી મળી તેવો વિડીયો મુક્યો
સુરત : સુરત મહાનગરપાલિકા ના પદાધિકારીઓની નિમણૂક પહેલા પક્ષ પલ્ટુ કોર્પોરેટરની ફરી પક્ષ પલ્ટો કરવાની જાહેરાત કરી હતી પરંતુ 24 કલાકમાં જ ભાજપ છોડવાની ધમકી આપનારા પક્ષ પલ્ટુ કોર્પોરેટર ફસકી પડ્યા હતા.ભાજપ છોડવાની ચીમકી આપનારા કોર્પોરેટરે આજે સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયરલ કર્યો છે જેમાં ગાંધીનગરથી ખાતરી મળી હોવાથી તેઓ ભાજપ નહીં છોડે તેવું જાહેર કરી દીધું હતું.પક્ષ પલ્ટુ કોર્પોરેટરે ચીમકી આપીને 24 કલાકમાં જ ફસકી ગયા છે.
આવતીકાલે સુરત પાલિકાના પદાધિકારીઓની નિમણુંક થાય તે પહેલાં જ આપ માંથી ભાજપમાં આવેલા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાએ ગઈકાલે સોશ્યલ મિડિયામાં પોસ્ટ મુકી હતી કે વોર્ડ નંબર 4માં અમે પ્રજાના કામ હેતુ ભાજપમાં જોડાયો હતો તે સિદ્ધ ન થતા હુ અને બીજા ચાર કોર્પોરેટરો આજે મુલાકાત થયા બાદ ભાજપને ટુંક સમયમાં છોડીશું અમારી સાથે બીજા ચાર કોર્પોરેટરો પણ ભાજપ છોડી દેશે.તેમની આ પોસ્ટ બાદ આમ આદમી પાર્ટીએ પણ પાર્ટીમાં આવવા માગતા તમામનું સ્વાગત છે તેવું કહીને ભાજપ માત્ર લોકોને લૂંટવા માટે પાર્ટી છે તેવી પોસ્ટ મુકી હતી.જોકે, પાર્ટી છોડવાની ચીમકી આપનારા વાવલીયા ચીમકી આપ્યાના 24 કલાકમાં જ ફસકી જતાં આપ દ્વારા તેમને આવકારવાની ઈચ્છા અધુરી રહી ગઈ છે. આજે વાવલીયાએ વિડીયો વાયરલ કર્યો છે તેમાં તેઓએ કહ્યું છે કે, અમે પદ માટે નહી પરંતુ અમારા કામ થતા ન હોવાથી ભાજપ છોડવાના હતા.પરંતુ ગઈકાલે સાંજે અમને ગાંધીનગરથી ખાતરી મળી છે કે અમારા કામ થશે અમને પદની કોઈ લાલસા નથી.ગાંધીનગરથી ખાતરી મળ્યા બાદ અમે આ પગલું ભરવાનું મૌકુફ રાખ્યું છે.અમે ફક્ત લોકોના કામ થાય તે માટે જ પગલું ભરવાના હતા પરંતુ ગાંધીનગરથી હૈયા ધરપત મળતાં આ પગલું ભરવાના નથી.
જોકે, આ વિડીયો બાદ ફરી એક વિવાદ થયો હતો કે, સુરતના ભાજપના નેતાઓ પક્ષ પલ્ટુ વાવલીયા એન્ડ કંપનીને સમજાવવામાં કાચા પડ્યા હતા અને તેના કારણે જ ગાંધીનગરની નેતાગીરીએ વચ્ચે પડવું પડ્યું છે.જોકે, આગામી દિવસોમાં પણ પક્ષ પલટુઓ આવા પ્રકારની પ્રેશર ટેકનીક અપનાવી ભાજપની આબરૂના ધજાગરા કરે તેવી શક્યતા નકારી શકાતી નથી.