
– ગણેશોત્સવ પહેલાં પાલિકા શહેરના જુદા જુદા વિસ્તારમાં 20 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરી
– પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પાંચ ફુટ સુધીની શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થશે, મોટી પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા આયોજન
સુરત,તા.13 સપ્ટેમ્બર 2023,બુધવાર : એન.જી.ટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદી,તળાવ કે કેનાલમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પર પ્રતિબંધ મુકાયા બાદ પાલિકાની જવાબદારીમાં વધારો થયો છે.સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની પ્રતિમાની વધુ સ્થાપના થઈ હોવાથી પાલિકાએ જુદા જુદા વિસ્તારમાં 20 કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરી છે.જ્યારે મોટી પ્રતિમાને દરિયામાં વિસર્જન માટે આયોજન કરવામાં આવ્યું છે.
એન.જી.ટીના આદેશ બાદ તાપી નદી અને કેનાલ કે તળાવમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે તેના કારણે સુરત પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવીને તેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.સુરત શહેરમાં જ અંદાજે 50 થી 60 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને આ તમામ પ્રતિમાઓ પૈકી 5 ફૂટ કે તેનાથી નાની પ્રતિમાનું વિસર્જન સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે.
સુરતમાં ધામધૂમ પૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.સુરતમાં ગૌરી ગણેશ અને દસ દિવસના ગણેશજીની સ્થાપના કરવામા આવે છે.સુરતમાં ત્રીસ હજારથી વધુ ગણેશજીની સ્થાપના થાય છે.પહેલા તાપી નદીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું.પણ એન.જી.ટી.ના નિર્ણય બાદ પાલિકાએ બનાવેલા કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન થઈ રહ્યું છે.જોકે, છેલ્લા કેટલાક વખતથી ઘરમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન માટે ટ્રેન્ડ ચાલુ થયો છે.તેના કારણે પાલિકાના કૃત્રિમ તળાવ પર થોડું ભારણ ઓછું થયું છે.
પાલિકાએ કુદરતી જળાશયોમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા ન થાય તે માટે શહેરના જુદા જુદા વિસ્તારમાં 20 જેટલા કૃત્રમ તળાવ બનાવવાનું આયોજન કર્યું છે.આ તળાવમાં જ પાંચ ફુટ કે તેથી નાની શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે જ્યારે મોટી પ્રતિમાનું દરિયામાં વિસર્જન કરવા માટે પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે