
વડોદરા : વડોદરા શહેર કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપવાનો સિલસિલો હજી પણ ચાલુ છે.જેમાં વિધાનસભાની ચૂંટણી 2017માં ભાજપ સામે લડીને હારી જનાર પૂર્વક કોર્પોરેટર અનિલ પરમારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ પ્રદેશ કોંગી પ્રમુખને મોકલી આપ્યું છે.કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર તમામ અગ્રણીઓ આગામી તા.17મીએ વડાપ્રધાનના જન્મદિનને ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે.શહેર કોંગ્રેસમાંથી રાજીનામાનો આ સીલસીલો હજી પણ ચાલુ રહે તો નવાઈ નહીં.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે અગાઉ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કર્યા હતા તેઓને ત્યાં પ્રદેશ પ્રમુખ આવીને ભાજપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું જેથી સુરેશ પટેલ આગામી તા 17મીએ વિધિવત રીતે કેસરિયો ધારણ કરશે.આવી જ રીતે જયેશ ઠક્કર સહિત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ અન્ય મળીને ત્રણ અગ્રણીઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામાં આપી દીધા હતા હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.17મીએનો જન્મ દિવસ છે ત્યારે આ તમામ પૂર્વ કોંગી અગ્રણીઓ ભાજપનો ખેસ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
આવી જ રીતે સને 2017માં ભાજપ સામે વિધાનસભાની ચૂંટણી લડનાર કોંગ્રેસના આગ્રણી અનિલ પરમારને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય અનિલ પરમારે પણ આજે કોંગ્રેસના સભ્ય પદેથી વિધિવત રીતે રાજીનામું આપીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યું છે.પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે મોદીના જન્મદિન જ પોતાનો પણ જન્મદિવસ છે તેથી વડાપ્રધાનને અનોખી ભેટ આપવાના ઇરાદે અને જ્યારે ભાજપનો વિકાસ આવતો હોય ત્યારે તેને વધુ સારી રીતે તેઓ આગળ વધારવા માંગતા હોવાથી આગામી તા. ૧૭મીએ વિધિવત રીતે ભાજપમાં જોડાશે.