
– સરદાર સરોવર ડેમના રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન સપ્તાહ પેહલા બંધ કરી દેવાયા
– 6 સપ્ટેમ્બરથી પાણીનું લેવલ ડેમમાં વધવા લાગ્યું
– 14 સપ્ટેમ્બરથી મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો
– ઇન્દિરા ડેમમાં પાણી અધધ વધી ગયું અને એ પાણી નર્મદા નદીમાં છોડવાનું હતું તેને પણ નજર અંદાજ કરાયું
– રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,મુખ્યમંત્રી સહિતને સમસ્ત ભરૂચ જિલ્લા માછમાર સમાજ,બ્રિક્સ વોટર રિસર્ચ સેન્ટરની રજુઆત
સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમમાં નર્મદા નદીમાં આવેલા પુર હોનારતથી ડાઉન્સ્ટ્રીમના વિસ્તારના લોકોના જીવ જોખમમાં મુકવા બાબતે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અને સેન્ટ્રલ વોટર કમિશનના જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરી કસૂરવાર સામે સખતમાં સખત પગલાં લેવા બાબત ફરિયાદ રૂપી રજુઆત કરાઈ છે.રાષ્ટ્રપતિ,પ્રધાનમંત્રી,મુખ્યમંત્રી સહિતને ઇ મેલ મારફતે કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, નર્મદા નદીમાં હાલ પુરની સ્થિતિ છે.આ પુરની સ્થિતિ લગભગ દર વર્ષે હોય છે. પણ હાલનું પુર ભયાવહ અને વિનાશક છે.સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન વગર તથા ડેમમાં વધારાના પાણીની આવકની યોગ્ય રીતે નિકાલની વ્યવસ્થા અને પૂર્વ આયોજન કર્યા વગર સરદાર સરોવર ડેમને આખો છલોછલ ભરી દેવામાં આવેલો.
સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાંથી વધારાના પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં 16 સપ્ટેમ્બરે ડેમના ગેટ ખોલીને ડાઉનસ્ટ્રીમના વિસ્તારોની અને લોકોની અને લોકોના જીવની કોઈપણ પ્રકારની ચિંતા કે તસ્દી લીધા વિના એકસાથે 19 થી 20 લાખ ક્યુસેક પાણીને એકસાથે છોડી દેવામાં આવેલુ હતું.સરદાર સરોવર ડેમમાંથી ડાઉન્સ્ટ્રીમમાં કોઈપણ પ્રકારના પૂર્વ આયોજન અને ડાઉન્સ્ટ્રીમના અસરગ્રસ્ત પરિવારો,ખેડૂતો,પશુપાલકો,માછીમારોની લોકોના જીવની કોઈપણ પ્રકારની ચિંતા અને તસ્દી લીધા વિના એકસાથે મોટી માત્રામાં 19 થી 20 લાખ ક્યુસેક પાણી છોડી દેવાને લીધે સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમમાં આવેલા વડોદરા,નર્મદા અને ભરૂચ જિલ્લાના ઘણાં બધાં ગામોમાં તથા ભરૂચ અને અંકલેશ્વર શહેરના વિસ્તારોમાં તથા ખેતરોમાં, ગામની સીમમાં,પાલતુ પશુઓના તબેલાઓમાં તથા લોકોના રહેણાંકના ઘરોમાં ખુબજ ઝડપથી પુરના પાણી પ્રવેશી ગયેલા હતા.
ડાઉન્સ્ટ્રીમના નર્મદા નદી કિનારે આવેલા વિસ્તારના લોકોના ઘરો અને ખેતરોમાં ખુબજ ઝડપથી પુરના પાણી પ્રવેશી જવાને લીધે મોટાભાગના લોકોને પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે જવાની તક મળેલી નહીં અને ડાઉન્સ્ટ્રીમના લોકોના જીવ જોખમમાં મૂકી દેવામાં આવેલા હતા.લોકો દરના માહોલમાં જીવી રહેલા છે.ડાઉન્સ્ટ્રીમમાં આવી કરુણ સ્થિતિનું નિર્માણ સરદાર સરોવર ડેમમાંથી ડાઉન્સ્ટ્રીમમાં એકસાથે મોટી માત્રામાં લાખો ક્યુસેક પાણી છોડી દેવાને લીધે થયેલું છે.ડાઉન્સ્ટ્રીમમાં આવેલી પુરની હોનારત એ સરદાર સરોવર ડેમ ઓથોરિટી અને સેન્ટ્રલ વોટર કમિશનના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારીનું પરીણામ છે.
સરદાર સરોવર ડેમ ઓથોરિટી અને સેન્ટ્રલ વોટર કમિશનના જવાબદાર અધિકારીઓ લગભગ દરવર્ષે આવી બેદરકારી અને ભૂલો કરી રહેલા છે,પરંતુ તેઓએ હાલ જે રીતે ડેમમાંથી એકસાથે 19 થી 20 લાખ ક્યુસેક પાણી છોડીને ડાઉન્સ્ટ્રીમના લોકોના પરિવારોના જીવને જોખમમાં મુકેલા છે,તેવી તેઓની આ ગંભીર બેદરકારી માફીને લાયક નથી અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરીને તેઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવી જરૂરી છે.જો કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો જવાબદાર કસૂરવાર અધિકારીઓને લોકોના જીવ જોખમમાં મુકવાની ટેવ પડી ગયેલી છે અને ભવિષ્યમાં પણ તેઓની બેદરકારીથી લોકોના જીવ લઇ લે તેમ છે.વળી, કસૂરવાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવશે તો ડાઉન્સ્ટ્રીમમાં નર્મદા નદી કિનારાના લોકોમાં ખૂબ મોટો રોસ ભભૂકી ઉઠે તેમ છે.સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ અને સેન્ટ્રલ વોટર કમિશનના જવાબદાર અધિકારીઓની ગંભીર બેદરકારીને લીધે સરદાર સરોવર ડેમની ડાઉન્સ્ટ્રીમમાં નર્મદા નદી કિનારેના લોકોના પરિવારોના જીવને જાણીબૂઝીને જોખમમાં મુકવામાં આવેલા હોય, તે સંબંધી જરૂરી ખાતાકીય તપાસ કરાવીને કસૂરવાર અધિકારીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવા ફરિયાદ રજૂ કરાઈ છે.