CM એ 3 મહાનગરપાલિકાના શહેરી સડક-સુવિધા સહિતના કામો માટે રૂ. 1,646 કરોડને સૈદ્ધાંતિક મંજૂરી આપી

54

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૩ મહાનગરપાલિકાઓ સુરત,વડોદરા અને જામનગરને મુખ્યમંત્રી શહેરી સડક યોજના સહિત ભૌતિક અને સામાજિક આંતરમાળખાકીય સુવિધાના ૪૧૪ કામો માટે કુલ ૧,૬૪૬ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ રકમ ફાળવવામાં આવશે.

તદઅનુસાર, વડોદરા મહાનગરપાલિકાએ ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાં રસ્તાનાં ૪૭ કામો માટે રૂ.૧૮૪.૦૯ કરોડની દરખાસ્ત રજૂ કરી હતી તેને મુખ્યમંત્રીએ અનુમોદન આપ્યું છે.સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૩-૨૪નાં વર્ષ માટે ભૌતિક આંતર માળખાકીય સુવિધાના ૧૦૧,સામાજિક આંતર માળખાકીય સુવિધાના ૭૮,અર્બન મોબિલિટીના ૨૧ અને આગવી ઓળખના બે એમ ૨૦૨ કામો માટે રૂપિયા ૧૦૨૯.૫૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવા માટે શહેરી વિકાસ વિભાગ મારફતે કરેલી દરખાસ્ત મુખ્યમંત્રીએ મંજૂર કરી છે.જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટક માંથી ૭૦.૩૧ કરોડ રૂપિયા જામનગર શહેરમાં સડક – માર્ગોના ૨૫ કામો માટે ફાળવવા અંગે કરી હતી.

આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસ અને આગવી ઓળખના કામો અન્વયે બ્રિજ,ટ્રાફિક મેનેજમેન્ટ,ગાર્ડન,સ્કૂલ બિલ્ડીંગ,આંગણવાડી,સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને ૧૩૮ કામો માટે રૂ. ૩૪૮.૨૦ કરોડની દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.એટલું જ નહીં, જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોડા – ભૂજીયા કોડા – ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે ૧૩ કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી.જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ. ૧.૨૫ કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા આગવી ઓળખના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ.૧૪.૨૫ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૯માં શરૂ કરાવેલી યોજના છે.આ યોજનામાં મુખ્યત્વે રસ્તા,પાણી પુરવઠા,ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો,હોસ્પિટલ,આંગણવાડી,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા,રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ,રિંગરોડ,ફ્લાય ઓવર બ્રિજ,હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ,સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર ૨૦૨૧ થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૨,૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧,૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.

Share Now