અમદાવાદ,તા.૨૩
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતાં ઓછા નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સમાં ચાર હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ છ હજાર વિદ્યાર્થી ઘટયા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે.
રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતાં વધતી હતી, પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ગતવર્ષ કરતાં આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. ધો.૧૦માં છેલ્લાં ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતાં ઓછો થયો છે. આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતાં વધુ હતી. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
બોર્ડની પરીક્ષામાં ચાલુ વર્ષે ૮૨ હજાર વિદ્યાર્થીનો ઘટાડો..!!
Leave a Comment