સુરત,તા.૨૫
ઉચ્છલ તાલુકાના ગવાણ ગામે તલાટી તરીકે ફરજ બજાવતી વૈશાલીબહેન વણઝારા સાથે સગાઈ કરી ચારથી પાંચ વર્ષ સુધી સંબંધ રાખી સુરતના યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. યુવકે અન્ય યુવતી સાથેના લગ્નની કંકોત્રી વોટ્સએપમાં મોકલી હતી. જેથી મહિલા તલાટીએ યુવક અને પરિવારજનો સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
ગવાણ ગામે તલાટી તરીકે ફરજ બજાવતી ૨૮ વર્ષીય યુવતી માતા-પિતા સાથે રહે છે. સમાજના રિત રિવાજ મુજબ સુરતના ડિંડોલીમાં રહેતા મુકેશભાઈ જાલમસિંગ ગોદોદ સાથે ૨૪-૪-૨૦૧૬ના રોજ સગાઈ થઇ હતી. સગાઈ થયા પછી અવાર નવાર ફોન પર વાતચીત થતી હતી. યુવતીને મુકેશના પરિવારજનો લગ્ન કરવા માટે આશ્વાસન આપતાં હતાં. વર્ષ ૨૦૧૯માં લગ્ન કરવાની વાત કરી હતી. જોકે, ૧૦-૨-૨૦૨૦ના રોજ યુવતીના વોટ્સએપ પર મુકેશે લગ્નની કંકોત્રી મોકલી હતી. જેમાં યુવતીના નામની જગ્યાએ અન્ય યુવતીનું નામ હતું.
મુકેશ યુવતી સાથે લગ્ન ન કરવાનું જણાવ્યું હતું તેમજ ફોન પર જણાવ્યું હતું કે, મારી સાથે લગ્ન કરવાનું દબાણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે ચાર વર્ષ લાલચ આપી લગ્ન નહીં કરતાં અન્ય સાથે લગ્ન કરવાનું નક્કી કરતાં પરિવારની આબરૂને ઠેસ પહોંચાડી હતી. જેથી યુવતીએ મુકેશ, પિતા જાલમસિંગ, માતા લક્ષ્મીબહેન અને ભાઈ વિકાસ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે.
મહિલા સાથે સગાઈ કરી યુવકે ૪ વર્ષ બાદ અન્ય યુવતી સાથેના લગ્નની કંકોત્રી મોકલી
Leave a Comment