આવનારા દિવસોમાં બંધની સ્થિતિ ઊભી થવાની દેહશતના પગલે લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા દોડી ગયા હતા. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે દોડાદોડી ન કરવાનું અને બિનજરૂરી વસ્તુનો સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. છતાં લોકોએ જરૂરી વસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે માર્કેટમાં ભીડ ઊભી કરી હતી. શુક્રવારે મોલથી લઈને સ્થાનિક માર્કેટમાં, શાકભાજી માર્કેટમાં તથા કરિયાણાની દુકાનમાં સામાન્ય દિવસો કરતા વધારે ભીડ જોવા મળી હતી. જ્યારે મોલમાં ખરીદી કરવા માટે લોકોએ લાઈન લગાવી હતી.
લોકોએ થોડું અનાજ, કરિયાણું, સુકા તૈયાર નાસ્તા, શાકભાજીમાં ડુંગળી, બટેટાની મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી. બીજી તરફ કેટલાક લોકોએ થોડા દિવસો ચાલે એટલું દૂધ, દહીં અને છાશ જેવી ડેરી પ્રોડક્ટ ભેગી કરી લીધી છે. કોરોના વાયરને કારણે આવનારા દિવસોમાં શું થશે એવી અંધારા રૂપી અનિશ્ચિતતાને લીધે વસ્તુઓ લેવા માટે માર્કેટમાં ગયા હતા. રવિવારે મોટા ભાગના લોકો જનતા કર્ફ્યુંને સમર્થન આપવાના છે. જ્યારે કેટલાક લોકો વર્ક ફ્રોમ હોમ કરવાના છે. વેપારીઓએ જણાવ્યું હતું કે, બે દિવસ સુધી ચાલે એટલું લોકોએ ભેગું કરી લીધું છે. શનિવારથી માર્કેટ આંશિક રીતે બંધ પાડશે એવો માહોલ છે. દરરોજ એક કે બે દૂધની થેલી લેનારાઓ પાંચથી છ થેલી લઈને જાય છે. સૌથી વધારે ખરીદી શાકભાજીની થઈ રહી છે.
ડુંગળી અને બટેટાનો સ્ટોક લાંબા સમય સુધી ચાલે એમ હોવાથી લોકો એક કે બે કિલો નહીં પણ ત્રણથી ચાર કિલો ડુંગળીની ખરીદી કરી રહ્યા છે. આ સાથે આદું, લીંબું, કોથમરી અને મરચાની વિપુલ ખરીદી થઈ છે. બે-ત્રણ દિવસના શાકભાજી ખરીદનારાઓ હવે આઠ દિવસ ચાલે એટલું શાકભાજી લઈ રહ્યા છે. લોકો ઘરમાં રહે એટલે નાસ્તાનો વપરાશ વધે છે. તેથી સુકા નાસ્તા અને ફરસાણની ખરીદી વધી હતી. લોકો 20 દિવસ ચાલે એટલો નાસ્તો ખરીદી રહ્યા છે. મોલમાંથી પણ સુકો નાસ્તો સૌથી વધું વેચાયો હતો.