રાજ્યમાં દાણચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે, ત્યારે આજે સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરતા એક શખસની ધરપકડ કરી છે. આ ભેજાબાજ દાણચોરી કરતા શારજહાથી 500 ગ્રામ સોનું એવી રીતે સંતાડ્યું હતું કે જોનારા પહેલી નજરમાં થાપ ગઈ જાય.
પણ કહેવાય છેને ખરાબ કામમાં ભગવાન ક્યારેય સાથ નથી આપતો, આ કહેવત સાર્થક થતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ શારજહાથી આવેલા શખ્સની ધરપકડ કરી હતી. આ શખસ એટલો ભેજાબાજ હતો કે તેણે પોતાની કાળી કરતૂતમાં સફળતા મેળવવા માટે બેગના કવરમાં વરખમાં સોનું છુપાવીને લાવ્યો હતો. આ શખ્સ કસ્ટમ વિભાગના હાથે રૂ.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એરપોર્ટ પર દાણચોરીના એક કેસમાં કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. સોનાની દાણચોરી કરતા વધુ એક વ્યક્તિને દબોચી લીધો છે. બાદમાં તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત કસ્ટમ વિભાગે શારજાહ ફ્લાઈટમાં આવેલા ગણેશ વાલોદ્રા પાસેથી 20 લાખનો મુદ્દામાલ મળી આવતા તેની તપાસ હાથ ધરાઈ છે. સુટકેસના કવરમાં છુપાયેલા વરખ સ્વરૂપમાં સોનું મળી આવતા દાણચોરોની નવી નવી તરકીબો બહાર આવી રહી છે. કસ્ટમ અધિકારીઓની તપાસમાં ગણેશ પાસેથી 500 ગ્રામ જેટલું સોનુ મળી આવ્યું છે.