સુરત,તા.૨૧
સુરત મ્યુનિ.મા હંગામી કર્મચારી તરીકે જોડાયેલી મહિલાઓને કાયમી કરવા પહેલા કરવામા આવતા મેડિકલ ચેકઅપ નિર્વસ્ત્ર કરીને કરવામા આવ્યા હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે. યુનિયન દ્વારા કરવામા આવેલા આ ગંભીર આક્ષેપના કારણે મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયાં છે. જો આ પ્રકારની ઘટના બની હોય તો તે ઘણી જ દુર્ભાગ્યપુર્ણ છે છતાં જે ફરિયાદ મળી છે તેની ગંભીરતાથી તપાસ કરવામા આવશે તેવી વાત અધિકારીઓ દ્વારા કરવામા આવી છે.
સુરત મ્યુનિ. સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મ્યુનિ.ની હંગામી મહિલા કર્મચારીઓને કાયમી કરવા પહેલા તેમના મેડિકલ ટેસ્ટની કામગીર ચાલી રહી છે. મ્યુનિ.ના કર્મચારી મંડળ દ્વારા આ તપાસમા પાંચ સાત મહિલાઓને એક સાથે નિર્ળસ્ત્ર કરીને ઉભ રાખીને તપાસ થતી હોવા ઉપરાંત કુંવારી મહિલાઓને પ્રેગનન્સીના પ્રશ્નો પુછાતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામા આવ્યા છે.
કર્મચારી યુનિયનના મહામંત્રી અહેમદ શેખે મ્યુનિ.ના અધિકારીઓને રજુઆત કરતા કહ્યું હતું, ત્રણ વર્ષ તાલિમાર્થી તરીકે પુર્ણ કરનારા ક્લાર્કોને કાયમી કરતા પહેલા મેડિકલ ટેસ્ટ થાય છે તેમાં અતિરેક થઈ રહ્યો છે. તેઓએ લેખિતમા ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે, મહિલા કર્મચારીઓને એક સાથે નગ્ન અવસ્થામા તપાસ કરવામા આવે છે જે કૃત્ય સંપુર્ણપણે વખોડવા પાત્ર છે. એક પછી એક તપાસ કરવી જોઈએ. સામુહિક રીતે તપાસ કરવી ગેરકાનુની નહી પરંતુ માનવતા વિરૂધ્ધ છે જેથી આ કામગીરી તાત્કાલિક બંધ થવી જોઈએ. આ ઉપરાંત પ્રેગનન્સી અંગે પણ અજુગતા સવાલ પુછવામા આવે છે તે પણ બંધ થવા જોઈએ.
એક સાથે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને મેડિકલ ટેસ્ટ થતો હોવાનો ગંભીર આક્ષેપ બાદ ડે. કમિશ્નર આશીષ નાયકે ફરિયાદ અંગે નિષ્પક્ષ તપાસ કરવામા આવશે તેવી વાત કરી છે. આ પ્રકારની ફરિયાદ બાદ મ્યુનિ.મા ભારે હંગામો થઈ ગયો છે અન્ય યુનિયન દ્વારા આવી કોઈ ફરિયાદ તેમને મળી ન હોવાથી ફરિયાદ સામે પણ શંકા કરી રહ્યા છે. જોકે, સમગ્ર તપાસ બાદ જ આ સમગ્ર કિસ્સામા તથ્ય બહાર આવશે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પીટલમા મહીલા કર્મચારીઓના મેડીકલ ટેસ્ટ કરવા બાબતે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થઈ શકે તે માટે માન. કમિશનર દ્વારા સમિતિની રચના કરી નીચે જણાવેલ અધિકારીઓની નિમણૂક કરવામા આવી છે, અને ઉક્ત કમિટીએ દિન-૧૫ મા કમિશનરને રીપોર્ટ રજુ કરવાનો આદેશ આપવામા આવ્યો છે.
સમિતિના સભ્યોમા (૧) ડો. કલ્પના દેસાઇ, નિવૃત ડીન (૨) ગાયત્રી જરીવાલા, આસી. કમિશનર અને ઇ.ચા. ડે.કમિશનર (૩) તૃપ્તિ કલથિયા, કાર્યપાલક ઇજનેર નો સમાવેશ કરવામા આવેલ છે.
સ્મીમેર હોસ્પિ.માં મહિલાની અસ્મિતાને લાંછન : તમામ કપડાં ઉતારી ટેસ્ટ કરાયાં
Leave a Comment