– અશફાક ઉલ્લાહ ખાન 27 વર્ષની વયે શહીદ થયા હતા
– 25 વર્ષની ઉંમરે ક્રાંતિકારી મિશન કાકોરી કાંડને આપ્યો હતો અંજામ
અશફાક ઉલ્લાહ ખાન ભારતના એવા ક્રાંતિકારીઓમાંથી એક છે કે જેમને જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના પ્રાણ ત્યજી દીધા હતા.માત્ર 25 વર્ષની ઉંમરે અશફાકે તેમના ક્રાંતિકારી સાથીઓ સાથે બ્રિટીશ સરકારના નાક નીચેથી સરકારી ખજાનો લૂંટી લીધો હતો.આ ઘટનાને ‘કાકોરી કાંડ’ તરીકે ઓળખવામાં આવે છે.આજે આજે અશફાક ઉલ્લાહ ખાનનો જન્મદિવસ છે.
19 ડિસેમ્બર 1927 ના રોજ ‘કાકોરી કાંડ’ માટે ફૈઝાબાદ જેલમાં તેમને ફાંસી આપવામાં આવી હતી.આ કેસમાં અશફાક ઉલ્લાહ સાથે રામ પ્રસાદ બિસ્મિલ,ઠાકુર રોશન સિંહ અને રાજેન્દ્ર નાથ લાહિરીને ફાંસીની સજા આપવામાં આવી હતી અને સચિન્દ્ર સાન્યાલ અને સચીન્દ્ર બક્ષીને કાલાપાનીની સજા આપવામાં આવી હતી.બાકીના ક્રાંતિકારીઓને 4 વર્ષથી 14 વર્ષની સજા આપવામાં આવી હતી.આવો જાણીએ તેમના વિશે –
અશફાક ઉલ્લાહ ખાન સાથે જોડાયેલી વાતો
અશફાક ઉલ્લાહ ખાનનો જન્મ 22 ઓક્ટોબર 1900 ના રોજ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના શહીદગઢમાં થયો હતો.પિતા પઠાણ પરિવારના હતા.પરિવારના તમામ સભ્યો સરકારી નોકરીમાં હતા,પરંતુ અશફાકને બાળપણથી જ દેશ માટે કંઇક કરવું હતું.જણાવી દઈએ કે, બંગાળના ક્રાંતિકારીઓનો તેમના જીવન પર ઘણો પ્રભાવ હતો.સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત,તેઓ કવિતા પણ લખતા હતા,તેઓ ઘોડેસવારી,શૂટિંગ અને સ્વિમિંગના પણ શોખીન હતા.
ભણવા લખવામાં ન હતો રસ
નાનપણથી જ અશફાક ઉલ્લાહ ખાનને ભણવા-લખવામાં રસ નહોતો.તેમને સ્વિમિંગ,બંદૂક લઈને શિકાર કરવા જવામાં વધુ મજા આવતી હતી.ભલે તેઓને ભણવા-લખવામાં રસ નહોતો દાખવ્યો, પરંતુ તે દેશની ભલાઈ માટે કરવામાં આવતી ચળવળોની કથા-વાર્તાઓ ખૂબ રસ સાથે વાંચતા હતા.
તેમણે ખૂબ સારી કવિતાઓ લખી.જેમાં તેઓ કવિતામાં પોતાનું ઉપનામ હસરત લખતા હતા.તેઓ પોતાના માટે કવિતા લખતા હતા. તેમના મનમાં તેમની કવિતાઓ પ્રકાશિત કરવાની કોઈ ઈચ્છા ન હતી.તેમણે લખેલી કવિતાઓ અદાલતમાં જતા-આવતા સમયે ઘણીવાર ‘કાકોરી કાંડ’ ના ક્રાંતિકારીઓ ગાતા હતા.
કાકોરી કાંડ
મહાત્મા ગાંધીનો પ્રભાવ શરૂઆતથી જ અશફાક ઉલ્લાહ ખાનના જીવન પર હતો, જ્યારે ગાંધીજીએ ‘અસહકાર આંદોલન’ પાછું ખેંચ્યું તો ત્યારે તેમનું મન ખૂબ જ દુઃખી થયું. જે પછી, રામપ્રસાદ બિસ્મિલ અને ચંદ્રશેખર આઝાદના નેતૃત્વમાં, 8 ઓગસ્ટ 1925ના રોજ ક્રાંતિકારીઓની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં 9 ઓગસ્ટ 1925ના રોજ સહારનપુર-લખનઉ પેસેન્જર ટ્રેન કાકોરી સ્ટેશન પર આવતી ટ્રેનને લૂંટવાની યોજના બનાવવામાં આવી હતી, જેમાં સરકારી ખજાનો હતો.
ક્રાંતિકારીઓ જે ધન લૂંટવા માંગતા હતા, અંગ્રેજોએ તે ધન ભારતીયો પાસેથી જ હડપ કર્યું હતું. 9 ઓગસ્ટ 1925ના રોજ, અશફાક ઉલ્લાહ ખાન, રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ, રાજેન્દ્રનાથ લાહિરી, ઠાકુર રોશન સિંહ, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, બનવારી લાલ, મુકુંદ લાલ અને મન્મથ લાલ ગુપ્તાએ લખનઉ નજીક ‘કાકોરી’માં ટ્રેનમાં લઇ જનારાઓ સરકારી ખજાનો લૂંટીને પોતાની યોજના પૂરી કરી હતી. જે બાદ આ ઘટનાને કાકોરી કાંડ તરીકે ઓળખવામાં છે.
આ ઘટના દરમિયાન તમામ ક્રાંતિકારીઓએ તેમના નામ બદલ્યા હતા. અશફાક ઉલ્લાહ ખાને પોતાનું નામ ‘કુમારજી’ રાખ્યું હતું.બ્રિટિશ સરકારને આ ઘટનાની જાણ થતાં જ તે પાગલ થઈ ગઈ.જે બાદ ઘણા નિર્દોષોને પકડીને જેલમાં પુરી દીધા હતા.આ ઘટના પછી, બ્રિટીશ સરકારે એક પછી એક તમામ ક્રાંતિકારીઓને પકડ્યા. પરંતુ ચંદ્રશેખર આઝાદ અને અશફાક ઉલ્લાહ ખાન પોલીસના હાથમાં આવ્યા ન હતા.
26 સપ્ટેમ્બર 1925ના રોજ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના કુલ 40 ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર રાજદ્રોહ, સશસ્ત્ર યુદ્ધ કરવા,સરકારી તિજોરી લૂંટવા અને મુસાફરોની હત્યા કરવાનો કેસ ચાલ્યો હતો.બાદમાં રાજેન્દ્રનાથ લાહિરી,પંડિત રામ પ્રસાદ બિસ્મિલ,અશફાક ઉલ્લાહ ખાન અને ઠાકુર રોશન સિંહને ફાંસીની સજા આપવામાં આવી હતી.જ્યારે અન્ય 16 ક્રાંતિકારીઓને ઓછામાં ઓછી ચાર વર્ષની કેદથી લઈને આજીવન કેદ સુધીની સજા આપવામાં આવી હતી.