ગુવાહાટી : આસામના ગુવાહાટી સહિત પૂર્વોત્તરમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હતો. સવારે 7.51 કલાકે આવેલા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 હતી અને ભૂકંપનું કેન્દ્ર આસામના સોનિતપુરમાં બતાવવામાં આવી રહ્યું છે,એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું. આ આંચકો કેટલીક મિનિટ સુધી અનુભવાયો હતો.લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે કોઈ પણ વ્યક્તિના ઇજા કે મોત થયું હોવાના અહેવાલ નથી.જોકે ગુવાહાટીના ભવ્ય તાજ વિવાન્તાની દીવાલ અને સીલિંગમાં તિરાડ પડી હતી.
આ ભૂકંપ આસામ સહિત ઉત્તર બંગાળમાં પણ અનુભવાયો હતો.ગુવાહાટીમાં કેટલીય જગ્યાએ વીજળી જતી રહી હતી.આ ભૂકંપનો આંચકો બે વાર અનુભવાયો હતો.પહેલો આંચકો 7.51 કલાકા અને થોડી વાર પછી બીજા બે આંચકા અનુભવાયા હતા. આસામનાં કેટલાંય ઘરોમાં તિરાડ પડી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે વાત કરી હતી.તેમણે કેન્દ્ર તરફથી દેરક સંભવ મદદનું આશ્વાસન આપ્યું હતું અને આસામના લોકોના કુશળ હોવાની પ્રાર્થના કરી હતી.હરિયાણાના રોહતક જિલ્લામાં પણ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ સાથે ગૃહપ્રધાન અમિત શાહે પણ વાત કરી હતી.તેમણે કહ્યું હતું કે કેન્દ્ર આસામના ભાઈ-બહેનોની પડખે ઊભું છે અને દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.
આ ભૂકંપે તેજપુરના એક લાખ લોકોનું શહેર ખરાબ રીતે હચમચાવી નાખ્યું છે,જેનું કેન્દ્ર બિંદુ 45 કિલોમીટર દૂર હતું.અનેક લોકો ઘરથી બહાર રસ્તા પર આવી ગયા હતા અને કેટલીક ઇમારતોને પણ નુકસાન થયું હતું.