મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસેથી મળી આવેલી વિસ્ફોટકો ભરેલી કાર કેસના મુખ્ય આરોપી સચિન વઝે દ્વારા કરવામાં આવેલી મનસુખ હિરેન હત્યાનો કેસ પણ NIAએ પોતાના હાથમાં લઈ લીધો છે.અગાઉ આ કેસની તપાસ ATS કરી રહી હતી. ATSએ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને સટ્ટાબાજ નરેશ ગોરને NIAને સોંપી દીધા હતા.
મનસુખ હિરેન હત્યા કેસ હાથમાં લેતાની સાથે જ NIAની ટીમ મોડી રાતે રેતી બંદરની ખાડીમાં તે જગ્યાએ ગઈ હતી કે જ્યાં મનસુખનો મૃતદેહ 5 માર્ચે મળી આવ્યો હતો.મનસુખની હત્યા રાતે અહીં જ થઈ હતી. NIA સસ્પેન્ડ કરવામાં આવેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર સચિન વઝેને લઈને રાત્રે ત્યાં ગઈ હતી અને આખો સીન રિક્રિએટ કરાવ્યો હતો.
દાઉદ ઈબ્રાહિમને પણ ભેરવી દેવાની ફિરાકમાં હતો વઝે
NIA સૂત્રોના જણાવ્યા પ્રમાણે સચિન વઝે એન્ટિલિયા કેસને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે જોડીને તપાસ અધિકારીઓને ગેરમાર્ગે દોરવા માંગે છે.તેણે દુબઈમાં રહેતા દાઉદ ઈબ્રાહિમની એક ગેંગ સાથે જોડાયેલા વ્યક્તિને નકલી ટેલિગ્રામ બનાવીને ધમકીવાળો મેસેજ મોકલવા પણ કહ્યું હતું.જિલેટિન ભરેલી સ્કોર્પિયો મળ્યા પછી 12 દિવસ સુધી આ કેસની તપાસ વઝેના હાથમાં જ હતી.
આ કેસમાં ધમકી દિલ્હીની તિહાડ જેલમાંથી મોકલવામાં આવી છે.તે માટે જૈશ-એ-હિંદ નામનું એક નકલી ટેલિગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું.તેની તપાસ માટે મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહે એક પ્રાઈવેટ સાઈબર ફર્મની મદદ લીધી હતી.પરંતુ તેને ક્યાંય રેકોર્ડમાં સામેલ કરવામાં આવી નથી. NIA હવે એ વાતની તપાસ કરી રહી છે કે, એ મેસેજ આટલો મહત્વનો હોવા છતાં મુંબઈ પોલીસે તેની તપાસ કરીને તિહાડ જેલ કેમ ના ગઈ?