અમદાવાદ : એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના સંચાલકો અને ફાઇનાન્સરોની ઓફિસો અને ઘર મળી કુલ ૪૦ સ્થળે દરોડા પાડ્યા હતા.પાંચ દિવસથી ચાલી રહેલા દરોડામાં અધિકારીઓને ગ્રૂપના ૪૦૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી હતી.જ્યારે તપાસમાં વધુ ૫૦ લાખ રોકડા મળ્યા હતા.અધિકારીઓએ શોધી કાઢેલા ૨૫ બેંક લોકર સીઝ કરી દેવાયા છે.જેની તપાસ આગામી દિવસોમાં કરવામાં આવશે.દેશની સૌથી મોટી ટાઇલ્સ અને સિરામિક્સ બનાવતી કંપની અશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડના વ્યવહારો પર છેલ્લા ઘણા લાંબા સમયથી ઇનકમ ટેક્સની વોચ હતી.
તેમના વ્યવહારોની વિગતો અંગે અધિકારીઓએ હોમવર્ક કરી લીધા બાદ દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂ કરી હતી.સુરક્ષા બંદોબસ્ત સાથે અધિકારીઓ સંચાલકો કમલેશ પટેલ,મુકેશ પટેલ,સુરેશ પટેલ અને ભાવેશ પટેલના નિવાસસ્થાન અને ઓફિસો પર ત્રાટકયા હતા.ડિપાર્ટમેન્ટ દ્વારા કંપનીના ફાઇનાન્સરો સંકેત શાહ,રૂચિત શાહ અને દીપક શાહ તથા મહિલા ફાઇનાન્સર સેજલ શાહના ઘર તથા ઓફિસો પર પણ સર્ચ શરૂ કર્યું હતું.પાંચ દિવસ સુધી ચાલેલા દરોડામાં અધિકારીઓને ૪૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારોની વિગતો મળી છે.સંચાલકોએ જુદા જુદા નામે લીધેલી પ્રોપર્ટી,જમીનો અને મિલકતોની વિગતો મળી છે.જેના કાચા ચિઠ્ઠા મળતાં તેની તપાસ ચાલી રહી છે.ડિપાર્ટમેન્ટ દ્વારા બેનામી પ્રોપર્ટી એક્ટ અંતર્ગત પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણી શકાયું છે.