સુરત : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અરિયાણા-બરબોધન અને દિહેણ-કુંકણી ગામોને જોડતો રસ્તા બનાવવામાં થયેલી બેદરકારીના પગલે આ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતા આ ચાર ગામો સહિત આજુબાજુના દસ થી વધુ ગામોની 350 વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી ગઇ હોવાની ખેડુતો દ્વારા ફરિયાદ ઉઠી છે.
ઓલપાડ તાલુકાના અંભેટા થી લઇને દિહેણ,અરિયાણાથી છેક પીજરંત સુધીના ગામોમાં ગત ચોમાસામાં નહેરની બરાબર સફાઇ નહીં કરાઇ હોવાથી પાણીનો ઝડપથી નિકાલ નહીં થતા આ ગામોમાં ડાંગરની રોપણી અટકી પડી હતી.આ વર્ષે સિંચાઇ વિભાગ દ્વારા બરાબર સફાઇ કરાઇ તો રસ્તાના પ્રશ્નના કારણે ડાંગરની રોપણી અટકી પડી છે.આ અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે અરિયાણા-બરબોધન અને દિહેણ-કુંકણી ગામોને જોડતો રસ્તો ગત વર્ષે બનાવવામાં આવ્યો હતો.
પરંતુ જયારે આ રસ્તાઓ બનાવવામાં આવ્યા ત્યારે કોન્ટ્રાકટર દ્વારા રસ્તા બનાવવામાં જે મટીરીયલમાં ગુણવતા જાળવવામાં આવી નથી. સીટ પીચીંગ પર કરવામાં આવ્યુ નથી.રસ્તાઓ પર જે ગરનાળાઓ નાંખવામાં આવ્યા છે. તે ગરનાળાઓ તુટી જતા વરસાદી પાણીનો નિકાલ જ અટકી ગયો છે. જેના કારણે આ વિસ્તારમાં ૩૫૦ વિંઘા જમીનમાં ડાંગરની રોપણી અટકી પડી છે.આગામી દિવસોમાં વરસાદી પાણીનો સમયસર નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.ખરાબ રસ્તાના કારણે ખેડુતોએ ખાતર-દવા છંટકાવ માટે 3 કિલોમીટર ચાલીને જવુ પડે છે
ચોમાસામાં રસ્તાઓ ખરાબ થઇ જવાથી ખેડુતો પણ લાચારી અનુભવી રહ્યા છે.રોડની હાલની સ્થિતિના કારણે કુંકણી,અરિયાણા,બરબોધન,સેગવા ગામના ખેડુતો અને નાગરિકો હાલાકી ભોગવી રહ્યા છે.રસ્તાઓ ખરાબ હોવાના કારણે વાહનો અવરજવરમા મુશ્કેલી થઇ રહી છે.મોટા મોટા ખાડાઓ પડી જતા ખેડુતો ખાતર-દવા છંટકાવ માટે લગભગ ત્રણ કિ.મી ચાલીને જવાની ફરજ પડી રહી છે.