કોરોના લોકડાઉનને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા વેપાર ઉદ્યોગ દ્વારા જીએસટીમાં રાહત માંગવામાં આવી રહી છે ત્યારે જીએસટી વિભાગે નવો ફતવો જારી કરીને કંપની ડાયરેકટરના પગારની માહિતી તથા તેના પર ટેકસ ચુકવાયો છે કે કેમ તેની વિગતો માંગતા કોર્પોરેટ જગતમાં જબરો ઉહાપોહ શરુ થયો છે.ડાયરેકટરોના પગાર તથા ટેકસ માહિતી માંગતી નોટીસો કંપનીઓને પાઠવવામાં આવી છે.
જીએસટી વિભાગ દ્વારા કેટલાંક રાજયોની કંપનીઓને નોટીસો ફટકારવામાં આવી છે.કોરોના લોકડાઉન પછી હજુ વેપારધંધાની ગાડી પાટે ચડી નથી અને બહુ ઓછી કંપનીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે તેવા સમયે જીએસટી વિભાગના નોટીસ જેવા ફતવાથી ભારે નારાજગી ઉભી થઈ છે. કંપની ડાયરેકટરોના પગાર-વળતર પર જીએસટી મુદે ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગના વિરોધાભાસી આદેશો વચ્ચે જીએસટી વિભાગ દ્વારા કંપનીઓ પાસેથી માહિતી માંગવાનું શરૂ કરવામાં આવ્યું છે.રાજસ્થાનની ઓથોરીટી ઓફ એડવાન્સ રૂલીંગ દ્વારા ડાયરેકટરોના પગાર વળતરને જીએસટી દાયરામાં ગણાવવામાં આવ્યું છે જયારે કર્ણાટક ઓથોરીટી દ્વારા તે જીએસટી દાયરામાં ન હોવાનો આદેશ કરવામાં આવ્યો છે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે બે રાજયોની ઓથોરીટીના વિરોધાભાસી ચુકાદાને કારણે જીએસટી વિભાગમાં જ ગુંચવાડો છે અને તેના કારણે બીનજરૂરી કાનૂની વિવાદો ઉભા થવાની આશંકા છે.છતીસગઢ, ઉતરપ્રદેશ તથા મહારાષ્ટ્ર જેવા રાજયોના જીએસટી વિભાગ દ્વારા કંપનીઓને નોટીસો ફટકારવામાં આવી છે અને ડાયરેકટરોના પગાર વળતર તથા ટેકસ સંબંધી માહિતી માંગતી નોટીસો ફટકારવામાં આવી છે.કેટલાંક કિસ્સામાં તો કંપનીઓને 1 જુલાઈ 2017થી ડાયરેકટરોના પગાર વળતર તથા ટેકસની માહિતી આપવાની નોટીસ મોકલવામાં આવી હતી અને સપ્તાહમાં જ જવાબ આપવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.જીએસટી તંત્રની આ નોટીસો સેવા સહિતના ક્ષેત્રોની કંપનીઓને અકળામણની હાલતમાં મુકી શકે છે.કારણ કે તેને દરેક રાજયમાં અલગ નોંધણી કરાવવાની હોય છે.