નવી દિલ્હી તા.9 : નાના લોકો પાસે લોન રિકવરી માટે પઠાણી ઉઘરાણી કરતી બેંકો મોટી લોન ફટાફટ માફ કરી દેતી હોય તેમ છેલ્લા નવ મહિનામાં 1.15 લાખ કરોડની લોન બેંકોએ માંડવાળ કર્યાનું બહાર આવ્યુ છે.લોકસભામાં નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા,બેંકોના બોર્ડ દ્વારા ઘડાયેલા નિયમો એનપીએની જોગવાઈઓ જેવા પાસાઓ અંતર્ગત છેલ્લા 9 મહિનામાં બેંકોએ 1.15 લાખ કરોડ માંડવાળ કર્યા છે.ચાર વર્ષ સુધી એનપીએમાં રહેલી બેડલોન પછી બેંકોના હિસાબી સરવૈયામાંથી કાઢી નાખવામાં આવે છે.
તેઓએ કહ્યું કે હિસાબી સરવૈયા સ્વચ્છ કરવા માટે બેંકો લોન માંડવાળની નિયમીત પ્રક્રિયા કરતી હોય છે.રીઝર્વ બેન્કની ગાઈડલાઈન તથા ખુદ બેંકોની નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરીને કરલાભ પણ મેળવતી હોય છે.તેઓએ એવી ચોખવટ કરી હતી કે બેંકો લોન માંડવાળ કરી નાંખે પછી પણ ધિરાણ લેનાર વ્યકિતને પેમેન્ટ કરવાનું જ હોય છે.રીકવરી પ્રક્રિયા ચાલુ જ રહે છે.લોન માંડવાળ થવાથી ધિરાણ લેનારને લાભ થતો નથી કે ઉઘરાણી અટકતી નથી.
રીઝર્વ બેન્કનાં આંકડાકીય રીપોર્ટને ટાંકીને તેઓએ કહ્યું કે શેડયુલ્ડ કોમર્સીયલ બેંકોએ 2918019 નાં નાણા વર્ષમાં 2,36,265 કરોડ, 2019-20 માં 2,34,170 કરોડ તથા 2020-21 ના પ્રથમ નવ માસમાં 1,15,038 કરોડ માંડવાળ કર્યા હતા.રિઝર્વ બેન્કની ગાઈડલાઈન પ્રમાણે બેંકોએ લોન રીકવરી નીતિ ઘડવાની રહે છે અને તબકકાવાર એનપીઅ ઘટાડાનો ટારગેટ નકકી કરવાનો થાય છે.અદાલતમાં કેસ કરવા અથવા ડેટ રીકવરી ટ્રીબ્યુનલમાં કેસ કરવાના થાય છે.તેઓએ કહ્યુ કે બે નાણા વર્ષ તથા વર્તમાન નાણા વર્ષનાં પ્રથમ 9 મહિનાના ગાળામાં બેંકોએ માંડવાળ કરેલી 68,209 કરોડ સહિત 3,68,636 કરોડની લોનની રીકવરી પણ કરી હતી.31 ડીસેમ્બર 2020 ની સ્થિતિમાં બેંકોનું એનપીએ 2,79,627 કરોડ ઘટીને 7,56,560 કરોડ થઈ ગયુ છે.સરકારી કડક નીતિને કારણે આ શકય બન્યુ છે.
વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ સરકારને 53346 કરોડ મળ્યા
નવી દિલ્હી તા.9કેન્દ્ર સરકારે ટેકસના વિવાદીત કેસોનાં સમાધાનકારી ઉકેલ માટે લાગુ કરેલી વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ હેઠળ 22 ફેબ્રુઆરીની સ્થિતિએ 53346 કરોડની આવક થઈ હતી.કેન્દ્રનાં નાણા રાજયમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વિવાદ સે વિશ્ર્વાસ સ્કીમ હેઠળ ટેકસ વિવાદનાં નિપટારા માટે 1.28 લાખ અરજી થઈ હતી તેમાં 98238 કરોડ અટકાવાયેલા હતા તેમાંથી 53346 કરોડની રકમને સાંકળતા કેસોમાં સમાધાન થયુ છે.કેન્દ્ર સરકારનાં જાહેર ક્ષેત્રનાં એકમોએ જ 27720 કરોડ ચૂકવીને સમાધાન કર્યું છે. રાજયોની કંપનીઓએ, 1023 કરોડ તથા ખાનગી ક્ષેત્રનાં કરદાતાઓએ 24693 કરોડ ચુકવીને સમાધાન કર્યુ છે.