અમદાવાદ : દસ ગાઉએ બોલી બદલાય તેમ મ્યુનિ.માં એકસરખા કામો માટે દરેક ઝોનમાં અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગતથી જુદા જુદા ભાવ વસુલવામાં આવે છે.કોર્પોરેટર બજેટમાંથી વોર્ડ વિસ્તારમાં લગાવવામાં આવતાં લાઇટનાં થાંભલાનાં જુદા જુદા ભાવ લેવાતાં હોવાની એક ફરિયાદ રોડ કમિટીમાં સભ્ય દ્વારા કરવામાં આવી હતી.રોડ કમિટીની બેઠક બાદ ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું હતું કે,દરેક વોર્ડનાં કોર્પોરેટર લાઇટનાં થાંભલા માટે બજેટ ફાળવી શકે છે અને તેમાં અમુક ઝોનમાં જુદા જુદા વોર્ડમાં જુદા જુદા ભાવ લેવાતાં હોવાની ફરિયાદ સભ્ય દ્વારા કરવામાં આવતાં તેમણે લાઇટનાં થાંભલા માટે કોર્પોરેટર બજેટ વાપરવા અંગે કોમન નીતિ તૈયાર કરવા લાઇટ ખાતાને સૂચના આપવામાં આવી છે.આ સિવાય ખાનગી સોસાયટીઓમાં જયાં બેઝમેન્ટ બનાવવામાં આવ્યા હોય ત્યાં લાઇટના થાંભલા લગાવવામાં સમસ્યા સર્જાતી હોવાની રજૂઆતને પગલે તેનો યોગ્ય રસ્તો કાઢવા તંત્રને સૂચના આપવામાં આવી હતી.
શહેરમાં ગત ચોમાસા બાદ રોડ રિસરફેસની કામગીરી લક્ષ્યાંક મુજબ થઇ નથી ત્યાં ફરી ચોમાસુ નજીક આવી ગયુ છે ત્યારે રોડ રિસરફેસની કામગીરી યુધ્ધનાં ધોરણે કરવામાં આવી રહી હોવાની માહિતી આપતાં રોડ કમિટી ચેરમેન મહાદેવ દેસાઇએ જણાવ્યું હતું કે,ગત વર્ષે ૧-૪-૨૧થી ૫-૬-૨૧ સુધીમાં ૫૬ હજાર મેટ્રિક ટન મટિરિયલનો વપરાશ થયો હતો,તેની સામે ચાલુ વર્ષે આ સમયગાળા દરમિયાન ૧.૬૩ લાખ મેટ્રિક ટન મટિરિયલનો ઉપયોગ થઇ ચૂક્યો છે.રોડ કમિટી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે,શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઝોન ઇજનેર વિભાગ અને રોડ પ્રોજેકટ વિભાગને રોડ રિસરફેસની કામગીરી ચોમાસા પહેલાં પૂરી કરવા સૂચના આપવામાં આવી છે.એટલુ જ નહિ હાલમાં રોડ રિસરફેસ થઇ રહ્યાં છે તે વરસાદ દરમિયાન ધોવાઇ ન જાય તે માટે મટિરિયલનીની ગુણવત્તા અને રિસરફેસની કામગીરી સમયે ચેકિંગ સિસ્ટમને વળગી રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે,રોડ રિસરફેસની કામગીરીમાં સૌથી વધુ કામ પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં થઇ છે.જયારે રોડ પ્રોજેક્ટ દ્વારા ૪૩-૪૪ હજાર મે.ટનનુ કામ કરવામાં આવ્યુ છે.રોડ રિસરફેસનુ સૌથી ઓછુ કામ મધ્ય ઝોનમાં થયુ છે,જોકે તેમાં મધ્ય ઝોનના સાંકડા રસ્તા અને ટ્રાફિક વગેરે કારણો અડચણરૂપ બને છે.