ગુજરાતમાં જંત્રીના દરો રિવાઇઝ કરવાની દરખાસ્ત વધુ એક વખત પાછી કાઢવામાંઆવી છે.છેલ્લા બે વર્ષથી જંત્રીના દરો વધારવા અંગે વિભાગ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવે છે પરંતુ સરકાર ઇન્કાર કરી રહી છે.જંત્રીના દરોમાં છેલ્લે 2008માં મોટો સુધારો થયો હતો અને 2011માં જૂની જંત્રીના દરોમાં કેટલીક તૃટીઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ પહેલાં સરકાર સમક્ષ વિભાગ દ્વારા જંત્રીના દરો વધારવા માટેની દરખાસ્ત આવી હતી પરંતુ સરકારે મહામારીનું કારણ આપીને પાછી ઠેલી હતી.ફરી એકવાર દરો વધારવા અંગેની દરખાસ્ત આવી ત્યારે સરકારે એમ કહ્યું કે રાજ્યમાં વર્ષના અંતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી હોઇ દરો વધારવા ઇચ્છનિય નથી. એ સાથે સરકારે કહ્યું કે ચૂંટણી પછી જંત્રીના દરોના રિવિઝન અંગે વિચારી શકાશે.
રિયલ એસ્ટેટમાં ગુજરાત પાછળ ધકેલાતું જાય છે ત્યારે સરકાર જંત્રીના દરો વધારશે તો સામાન્ય અને મધ્યમવર્ગને ઘરનું ઘર મેળવવું કપરૂં બની જવાની દહેશત છે.અલબત્ત,રાજ્યના રેવન્યુ વિભાગના અધિકારીઓ હાલ જંત્રીના દરોમાં સુધારો કરવાની પેરવી કરી રહ્યાં છે પરંતુ સરકાર ઇન્કાર કરી રહી છે.વિભાગ કહે છે કે જંત્રીના દરો છેલ્લા નવ વર્ષમાં સુધાર્યા નથી અને અત્યારે આવશ્યકતા હોવાથી અમે દરખાસ્ત કરી રહ્યાં છીએ પરંતુ સરકાર એક પછી એક કારણો આપીને અમારી દરખાસ્તનો સ્વિકાર કરતી નથી.
રેવન્યુના સૂત્રો કહે છે કે જંત્રીના ભાવમાં બમણો વધારો કરવા સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં જંત્રીના દરોની સમીક્ષા કરી હતી પરંતુ ચૂંટણી હોવાથી દરો સુધાર્યા ન હતા પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવતી હોવાથી જંત્રીના દરો વધારી શકાય તેમ નથી તેવું કારણ આપવામાં આવે છે.જો કે સરકારે એમ પણ કહ્યું છે કે આવતા વર્ષે જંત્રીના દરોની સમીક્ષા કરવામાં આવશે.
ગુજરાતમાં જંત્રી લાગુ કરવામાં અને તેનો અમલ કરવામાં તત્કાલિન મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલનો મોટો ફાળો છે.તેમણે 2008ના વર્ષમાં જંત્રીના દરોની સમીક્ષા કરી નવા દરો લાગુ કર્યા હતા,ત્યારપછી 2011માં દરોની તૃટીઓને કારણે તેમાં સામાન્ય સુધારો કરવામાં આવ્યો હતો.નિયમ બનાવ્યો હોવા છતાં છેલ્લા નવ વર્ષથી આ દરો રિવાઇઝ થયાં નથી.