આપણા દેશમાં ફિલોસોફી બાબતે બે લોકો વધુ ચર્ચામાં રહે છે. એક ચાણક્ય અને બીજા ચાર્વાક. ચાણક્ય એવું કહેતા કે રાજાએ લોકો પાસેથી એ રીતે કર ઉઘરાવવો જોઇએ જે રીતે મધમાખી ફૂલો પરથી મધ લે છે. જ્યારે ચાર્વાક નામનો ઋષિ એવું કહેતો કે પુનર્જન્મ હોતો નથી એટલે જે જનમ મળ્યો તેમાં દેવું કરીને પણ ઘી પીવું જોઇએ. લાગે છે કે ગુજરાત સરકાર ચાર્વાકને અનુસરે છે. ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશા ચર્ચામાં હોય છે. આજે સ્થિતિ એવી આવીને ઉભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ વધતી જાય છે. રાજ્યના નાણા વિભાગે વિધાનસભામાં કબુલાત કરી હતી કે માર્ચ 2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું 240652 કરોડ રૂપિયા છે. આ દેવું માર્ચ 2020ના અંતે વધીને 2.70 લાખ કરોડ થાય તેવી શક્યતા છે. એટલે કે ગુજરાત સરકારના બજેટ કરતાં જાહેર દેવાના આંકડા વધુ જોવા મળ્યા છે.
ગુજરાત સરકારનું સામાન્ય બજેટ 2.17 લાખ કરોડ થયું છે જ્યારે દેવાનો આંકડો 2.40 લાખ કરોડને વટાવી ગયો છે. જો કે જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ અસહ્ય બનતું જાય છે, કારણ કે દેવું કરવામાં સરકાર પાછું વાળીને જોતી નથી. વિવિધ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા મેળવે છે. સરકાર સૌથી વધુ બજાર લોન પર ધ્યાન કેન્દીત કરે છે, કારણ કે બજાર લોન 6.68 થી 9.75 ટકાએ મળે છે. રાજ્ય સરકારે 1.79 લાખ કરોડની તો બજાર લોન લીધી છે.
કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં લોનની રકમમાં વધારો થયો છે. 2017-18માં 13253 કરોડ અને 2018-19માં 28061 કરોડ રૂપિયાનો વધારો થયો છે. લોનના વ્યાજ અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં વિભાગે કહ્યું હતું કે અગાઉના વર્ષમાં સરકારે લોનના વ્યાજ પેટે 30846 કરોડ રૂપિયા અને ગયા વર્ષે 33564 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
મહત્વની બાબત એવી છે કે લોનનું વ્યાજ માત્ર 4.75 ટકાથી 8.75 ટકા છે તેવી નાણાંકીય સંસ્થાઓની લોન સરકાર ઓછી લેતી હોય છે. બે વર્ષમાં સરકારે આવી સંસ્થાઓ પાસેથી માત્ર 14691 કરોડની લોન લીધી છે. એનએસએસએફ લોન પણ 39385 કરોડ થવા જાય છે પરતુ તેના વ્યાજના દર 10.50 ટકા છે તેથી સરકાર તે લોન ઓછી લેતી હોય છે. સરકાર પર કેદ્રીય દેવાની રકમ 7223 કરોડ થાય છે પરંતુ તે શૂન્ય ટકા થી 13 ટકા સુધીના વ્યાજે મળતી હોય છે તેથી સરકારનો મોટો આધાર બજાર લોન પર હોય છે.