અમદાવાદ : સાબરમતી રેલવે પોલીસે જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ આવેલા મુસાફર પાસેથી વિદેશી દારૂની ૨૩ જેટલી બોટલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ઝડપાયેલો યુવક નિયમિત રીતે પંજાબથી દારૂ લાવીને સ્થાનિક સ્તરે વેચાણ કરતો હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.હાઇવે પર પોલીસ દ્વારા દારૂની હેરફેર કરતા તત્વો સામેની કાર્યવાહી વધુ આકરી બનાવવામાં આવતા હવે રેલવે દ્વારા દારૂની હેરફેર કરવાનું પ્રમાણ વધ્યું છે.સાબરમતી રેલવે પોલીસે રવિવારે જમ્મુ તાવીથી અમદાવાદ આવેલી ટ્રેનમાં આવેલા સાહિલ કુરેશી(રહે.ચાંદખેડા)પાસે રહેલા બે થેલામાં શંકાસ્પદ સામાન હોવાની આશંકાને આધારે તેને રોકીને તપાસ કરી હતી.જેમાં થેલામાંથી ૨૩ બોટલ ેવિદેશી દારૂ મળી આવ્યો હતો.જે તે પંજાબથી વિદેશી દારૂની બોટલ સ્થાનિક સ્તરે વેચાણ કરવા માટે લાવ્યો હતો.એટલું જ નહી તે નિયમિત રીતે દારૂ લાવીને વેચાણ કરતો હતો.જે અંગે તેની સામે પ્રોહીબીશનનો ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.