– વિડિયોગ્રાફી સરવે પૂરો, મસ્જિદમાં કેટલોક વિસ્તાર સીલ કરવા વારાણસી કોર્ટનો આદેશ
– મસ્જિદમાં શિવલિંગ નહીં પણ ફુવારો છે, દેશને ગેરમાર્ગે દોરાઇ રહ્યો હોવાનો મુસ્લિમ પક્ષનો દાવો : માત્ર 20 લોકોને જ નમાઝ પઢવા કોર્ટનો આદેશ
– સમગ્ર પરિસરને સુરક્ષા પુરી પાડવા કલેક્ટર-પોલીસને વારાણસી કોર્ટનો આદેશ
વારાણસી : ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે.આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે.આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે.જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે.જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે.જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા.
સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે.જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે.સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો.હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે.બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે.વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે.જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે.જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે.બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે.વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે.તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે.સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે.હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું.
નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે.સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી.બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો.જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો
– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા
ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે.એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે.
બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે.આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે.જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી.આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે.
મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું.આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે.જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે.આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું.