– કોરોના વખતે લાગેલી લાઇનો ફરી નહીં લાગે તે માટે પહેલ
– શહેરના સ્મશાનગૃહોમાં ગેસની ભઠ્ઠીઓ વધારવા પાલિકા ગ્રાન્ટ આપશે
– સ્મશાનગૃહોમાં લાકડાની 35 ભઠ્ઠીમાં 18 અને ગેસની 24 ભઠ્ઠીમાં ૧૪નો વધારો કરાશે
સુરત : સુરત શહેરના સ્મશાનગૃહોમાં ગેસ અને ઇલેક્ટ્રિકની ભઠ્ઠી વધારવા માટે પાલિકા ગ્રાન્ટ પૂરી પાડશે.કોરોનાના પહેલા અને બીજા વેવમાં સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબુ વેઇટિંગ રહ્યું હતું.ભવિષ્યમાં આવી સ્થિતિ નહી સર્જાય તે માટે પાલિકાએ ગેસ અને ઇલેક્ટ્રિકની ભઠ્ઠીઓ બમણી કરવા ટ્રસ્ટોને ગ્રાન્ટ આપવાનું મન બનાવી લીધું છે.સ્મશાનગૃહોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ તથા જાળવણી માટે ગ્રાન્ટની નવી નીતિ તૈયાર કરી શાસકોની મંજૂરી માંગવામાં આવી છે.
સ્મશાનગૃહોનું સંચાલન પાલિકાની પ્રાથમિક જવાબદારીમાં આવે છે. હદ વિસ્તરણ બાદ મનપાની હદમાં બાર સ્મશાનગૃહ થયા છે જે પૈકી અશ્વનીકુમાર સ્મશાન,ઉમરા સ્મશાનભૂમિ અને કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ મુખ્ય છે.લિંબાયત ખાતે તૈયાર થઇ રહેલું સ્મશાનગૃહ ચોથું મોટું સ્મશાન બનશે.
હાલમાં કાર્યરત સ્મશાનગૃહની જાળવણી માટે પાલિકા દ્વારા અલગ અલગ ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે જેમ કે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિના મેન્ટેનન્સ માટે પાલિકા 100 ટકા ગાન્ટ આપે છે જ્યારે અશ્વનીકુમારના મેન્ટેનન્સ માટે પચાસ ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે.ઉમરા રામનાથ ઘેલા સ્મશાનભૂમિના ટ્રસ્ટીઓ કોઇ ગ્રાન્ટ લેતા નથી.સ્મશાનભૂમિના ઇન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવા માટે પાલિકા 50થી 100 ટકા ગ્રાન્ટ આપવા તૈયાર છે.આ અંગે નીતિ-નિયમો તૈયાર કરી નવી નીતિ સ્થાયી સમિતિની મંજૂરી માટે રજૂ થઇ છે.
હાલમાં કાર્યરત તમામ સ્મશાનગૃહોમાં લાકડાની 35 અને ગેસની 24 ભઠ્ઠી કાર્યરત છે.શહેરની 65 લાખની વસતિને ધ્યાનમાં લેતા આ સંખ્યા ખૂબ ઓછી છે.ખાસ કરીને કોરોના જેવી મહામારી વખતે લોકોએ ખૂબ રાહ જોવી પડે છે.પાલિકાએ સ્મશાનગૃહોની ભઠ્ઠીઓ વધારવા માટે ગ્રાન્ટ આપશે.લાકડાની 18 અને ગેસની 14 ભઠ્ઠી વધારવા માટે પાલિકા ગ્રાન્ટ પૂરી પાડશે.પાલિકાએ તૈયાર કરેલી નીતિ અનુસાર દરેક સ્મશાનગૃહોએ આરોગ્ય ખાતામાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે તથા પાલિકાના પ્રતિનિધિઓને સ્મશાનગૃહના ટ્રસ્ટમાં સ્થાન આપવું પડશે.