પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતને પહેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિયટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)ની પહેલી ભેટ આપી. PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એઇમ્સનું શિલાન્યાસ કર્યું.રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમમાં ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી વિજય રૂપાણી,કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધન પણ વીડીયો કોન્ફરન્સીંગમાં હાજર રહ્યા હતા.એઇમ્સ રાજકોટનું શિલાન્યાસ કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે નવું વર્ષ દરવાજા ખટખટાવી રહ્યું છે.આજે દેશના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા વાળી એક કડી જોડાઇ રહી છે. રાજકોટમાં એઇમ્સના શિલાન્યાસથી ગુજરાત સહિત આખા દેશના સ્વાસ્થ્ય અને મેડિકલ એજયુકેશનને વેગ મળશે.મોદીએ કહ્યું કે નવી રાષ્ટ્રીય આરોગ્ય સુવિધા સાથે વર્ષ 2020ને અલવિદા કહેવું, પણ આ વર્ષના પડકાર અને નવા વર્ષની પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.
મોદીએ સંબોધન કરતા વધુમાં કહ્યું હતું કે વર્ષ 2020માં સંક્રમણની હતાશા,નિરાશા હતી,ચિંતાઓ હતી અને ચારેબાજુ પ્રશ્નાર્થ ચિહ્નો હતા.પણ વર્ષ 2021 ઇલાજની આશા સાથે આવી રહ્યું છે.વેકસીન માટે ભારતમાં દરેક પ્રકારની જરૂરી તૈયારીઓ ચાલી રહી છે.ભારતમાં બનેલી વેકસીન ઝડપથી દરેક જરૂરી વ્યકિત સુધી પહોંચાડવામાં આવે,તેના પ્રયાસો અંતિમ ક્ષણ પર છે.દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાન ચલાવવા માટે ભારતમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
PM મોદીએ કહ્યું કે જયારે સ્વાસ્થ્ય પર ઇજા થતી હોય છે ત્યારે જીવનના દરેક પાંસાઓ ખરાબ રીતે પ્રભાવિત થતા હોય છે અને માત્ર પરિવાર નહી,પણ આખો સામાજિક અવકાશ તેની લપેટમાં આવે છે.એટલે વર્ષનો આ અંતિમ દિવસ ભારતના લાખો ડોકટર્સ,હેલ્થ વોરિયર્સ,સફાઇ કામદાર,દવાની દુકાનમાં કામ કરવાવાળા અને બીજા ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને યાદ કરવાનો દિવસ છે.કર્તવ્ય માટે જે મિત્રોએ પોતોનું જીવન સમર્પિત કરી દીધું છે તેમને હું સાદર નમન કરું છે.
તેમણે આગળ કહ્યું કે મુશ્કેલી ભર્યા આ વર્ષે બતાવ્યું છે કે ભારત જયારે એકજુટ થાય છે ત્યારે મુશ્કેલથી મુશ્કેલ સંકટનો સામનો કેટલી પ્રભાવક રીતે કરે છે.ભારતે એકજુટ થઇને સમય પર પ્રભાવી પગલાં ભર્યા,એનું પરિણામ એ આવ્યું કે આજે આપણે સારી સ્થિતિમાં આવી ગયા છે.જે દેશમાં 130 કરોડથી વધારે વસ્તી હોય,ગીચ વસ્તી હોય,એવા દેશમાં 1 કરોડ લોકો કોરોનાની જંગ જીતી ચુક્યા છે.
PM મોદીએ કહ્યું હતું કે આઝાદીના આટલા દશકો પછી માત્ર 6 એઇમ્સ બની શકી છે.વર્ષ 2003માં અટલ બિહારી વાજપેયીની સરકારમાં 6 એઇમ્સ બનાવવાનું પગલું લેવાયું હતું.એને બનાવતા બનાવતા 2012નું વર્ષ આવી ગયું, મતલબ કે 9 વર્ષ લાગી ગયા.છેલ્લાં 6 વર્ષમાં 10 નવી એઇમ્સ બનાવવા પર કામ થઇ ચુકયું છે, જેમાંથી કેટલીક એઇમ્સ આજે પુરી રીતે કામ કરતી થઇ ગઇ છે.દેશમાં 20 એઇમ્સ જેવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.
મોદીએ આયુષ્માન ભારત યોજના વિશે બોલતા કહ્યું હતું કે આ યોજનાને કારણે ભારતના ગરીબોના લગભગ 30 હજાર કરોડ રૂપિયા બચી શકયા છે.મોદીએ કહ્યું, જરા,તમે વિચારો,આ યોજોનાને કારણે ગરીબોને કેટલી મોટી આર્થિક ચિંતામાંથી મુકિત આપી.ગંભીર બિમારીઓના પણ ગરીબોએ સારી હોસ્પિટલમાં સારવાર કરાવી અને તે પણ મફત.મોદીએ કહ્યું કે 2014 પહેલાંથી અમારું હેલ્થ સેકટર અલગ અલગ દિશા,અલગ અલગ એપ્રોચની સાથે કામ કરી રહ્યું છે.
PM મોદીએ કહ્યું કે પ્રાઇમરી હેલ્થ કેરની પોતાની એક અલગ સીસ્ટમ હતી,ગામોમાં સુવિધા સમાન ન હતી.અમે હેલ્થ સેકટરમાં સંપૂર્ણ રીતે કામ શરૂ કર્યું.એક તરફ અમે પ્રિવેન્ટીવ કેર પર ભાર મુક્યો તો બીજી તરફ આધુનિક સુવિધાઓને પ્રાથમિકતા આપી.