નવી દિલ્હી તા.29 : કોરોના સંકટ વચ્ચે દેશમાં વિવિધ ટેકસ બદલાવ કરવામાં આવ્યા છે ત્યારે હવે વ્યક્તિગત કરદાતાઓ કંપનીઓ તરફથી મળતા મુસાફરી-પ્રવાસ સહિતના ભથ્થાઓમાં કરછુટ્ટ મેળવી શકશે.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા આ અંગેનું નોટીફીકેશન જારી કરી દેવામાં આવ્યું છે.નવા ટેકસ કાયદામાં આ છુટછાટો જાહેર કરવામાં આવી છે.
સીધા કરવેરા બોર્ડના નોટીફીકેશનમાં મુસાફરી ખર્ચ,બદલીને કારણે થનારા દૈનિક ખર્ચ,સતાવાર પ્રવાસ માટે મળતા મુસાફરી તથા દૈનિક ભથ્થા તથા સતાવાર કામગીરી દરમ્યાન થતા ખર્ચમાં કરમુક્તિ મેળવવાની છૂટ્ટ આપવામાં આવી છે.અંધ,મુંગા,બહેરા સહિતના વિકલાંગ કર્મચારીઓને પણ રૂા.3200 સુધીનું ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કરમુક્ત રહેશે.આ ખર્ચને માલિકની જવાબદારીમાં ગણીને કરમુક્તિ આપવામાં આવી છે.મફત ભોજન અથવા નોન-આલ્કોહોલીક નાસ્તા અથવા રૂા.50 સુધીના ભોજન વાઉચરને નવા ટેકસ કાયદામાં કરમુક્તિનો લાભ નહીં મળે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે પ્રવાસ,ટ્રાન્સફર તથા કન્વેયન્સમાં કરમુક્તિ સાચી દિશાનું કદમ છે.આ કાર્યો કર્મચારી પોતાના ફાયદા માટે નથી કરતો પરંતુ ઓફીસની ફરજના ભાગરૂપે કરતો હોય છે એટલે કર્મચારી પાસેથી ટેકસ વસુલાત ગેરવ્યાજબી હતી.પ્રવાસ સહિતના ભથ્થાઓને કરમુક્તિના આ નિયમોમાં અમલ 1લી એપ્રિલ 2021થી થશે. આકારણી વર્ષ 2021-22થી લાગુ પડશે.કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારામને ગત બજેટમાં નવો વૈકલ્પિક આવકવેરા કાયદો સુચવ્યો હતો.નવા કાયદામાં આવકવેરા દર નીચા હતા.પરંતુ અન્ય કોઈ છૂટછાટો નહીં મળવાની ચોખવટ કરવામાં આવી હતી.હવે સરકારે પ્રવાસ-મુસાફરી ભથ્થામાં છુટછાટો આપી છે.માલિક-કંપની માટે કાર્યવાહી કરનારા કર્મચારીઓને રાહત વ્યાજબી છે.કરમાળખુ સરળ થઈ શકશે અને નીચા ટેકસનો લાભ મળી શકશે.