નવી દિલ્હી,તા.29 માર્ચ 2022,મંગળવાર : નવા વર્ષમાં ભારતમાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી સામાન્ય જનમાનસને નહિ રડાવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.જોકે મોંઘવારીની માજા બટેટાં અને ટામેટાંના ભાવ મુકી શકે છે કારણકે બાગાયત ઉત્પાદનના પ્રથમ એડવાન્સ અંદાજમાં જણાવાયું છે કે ભારતમાં બટાટા અને ટામેટાંનું ઉત્પાદન 2021-22માં ગત વર્ષની સરખામણીમાં નજીવું ઓછું હોઈ શકે છે જ્યારે ડુંગળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં લગભગ 17 ટકા વધવાની સંભાવના છે.
સરકારના રિપોર્ટ અનુસાર કુલ બાગાયત ઉત્પાદન 333.3 મિલિયન ટન રહેવાનો અંદાજ છે,જે 2020-21ની સરખામણીમાં લગભગ 1.35 મિલિયન ટન અથવા 0.4 ટકા ઓછું છે.
શાકભાજીના ઉત્પાદન અંદાજ પર નજર કરીએ તો 2021-22માં આશરે 199.88 મિલિયન ટન ઉત્પાદન રહેવાની ધારણા છે જે ગયા વર્ષના 200.44 મિલિયન ટન કરતાં સામાન્ય ઓછું છે. 2021-22માં ફળોનું 2020-21ના 102.48 મિલિયન ટનની સામે 102.92 મિલિયન ટન સુધી વધવાની ધારણા છે.
333.33 મિલિયન ટન સાથે ભારતનું બાગાયત ઉત્પાદન ખાદ્ય અનાજના ઉત્પાદન કરતાં નોંધપાત્ર રીતે વધુ હશે,જે 2021-22માં બીજા એડવાન્સ એસ્ટિમેટ મુજબ 316.06 મિલિયન ટનનું આંકવામાં આવ્યું છે.
નીતિ આયોગ દ્વારા ‘2030માં ભારતીય કૃષિ’ નામના તાજેતરના અહેવાલમાં છેલ્લા દાયકામાં ફળો અને શાકભાજી,મસાલા અને ફ્લોરીકલ્ચરે બાગાયત ક્ષેત્રે કૃષિ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બાગાયતી ઉત્પાદન હવે ખાદ્યાન્ન ઉત્પાદન કરતાં આગળ નીકળી ગયું છે.
નીતિ આયોગના રિપોર્ટમાં જ કહ્યું છે કે નિષ્ણાતોના મતે રાષ્ટ્રીય બાગાયત મિશન (2004-05)ને કારણે શક્ય બન્યું છે,જેણે સુવર્ણ ક્રાંતિની શરૂઆત કરી હતી.આ પ્રોજેક્ટને કારણે ભારતને વૈશ્વિક સ્તરે ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન અપાવ્યું છે.
આ દરમિયાન પ્રથમ અંદાજમાં જણાવાયું છે કે ગત વર્ષની સરખામણીમાં 2021-22માં ફળોનું ઉત્પાદન વધવાની ધારણા છે,જ્યારે શાકભાજી,મસાલા,ફૂલો,સુગંધિત અને ઔષધીય છોડનું ઉત્પાદન વાર્ષિક દ્રષ્ટિએ ઓછું રહેવાની ધારણા છે.
મસાલામાં આદુનું ઉત્પાદન 2021-22માં આશરે 22.19 મિલિયન ટન થવાની ધારણા છે,જે ગત વર્ષના 22.25 મિલિયન ટન કરતાં થોડું ઓછું છે જ્યારે લસણનું ઉત્પાદન વાર્ષિક 31.80 મિલિયન ટનની સામે 32.08 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.