– ઝઘડાળું પત્ની વારંવાર મારપીટ કરતી હોવાથી દીકરો ઝાડ પરથી નીચે ન ઉતરતો હોવાનો પિતાનો આરોપ
ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં આવેલા બસારથપુર ગામમાં પત્નીના ત્રાસથી પતિ છેલ્લાં એક મહિનાથી ૧૦૦ ફૂટ ઊંચા તાડના ઝાડ પર રહે છે.ઝાડ પર એ ખાઈ-પીને સૂઈ જાય છે.પત્ની વારંવાર મારપીટ કરતી હોવાથી પતિની આ સ્થિતિ સર્જાઈ હોવાનું તેના પિતાએ કહ્યું હતું.
ઉત્તર પ્રદેશના મઉ જિલ્લામાં આવેલા બરાસથપુર ગામનો એક કિસ્સો આખાય વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.રામપ્રવેશ નામનો એક માણસ તેની પત્નીના ત્રાસથી ઘરે આવતો નથી.એટલું જ નહીં, એ ૧૦૦ ફૂટ ઊંચા તાડના ઝાડ પર ચડીને રહે છે. ઘરના સભ્યો ખાવા-પીવાનું નીચે મૂકી દે છે.એ રસ્સીથી ખેંચીને ખાઈ-પી લે છે અને પછી તાડ પર જ સૂઈ જાય છે.મોડી રાત્રે બધા સૂઈ જાય ત્યારે એ નીચે ઉતરીને કૂદરતી હાજતે જઈ આવે છે એ સિવાય દિવસ આખો ૧૦૦ ફૂટ ઊંચે ચડીને રહે છે. જો કોઈ તેને સમજાવવા જાય છે તો એ ઈંટ અને પથ્થરો ફેંકે છે એટલે કોઈ તેની નજીક જતું નથી.ગામના લોકોએ આ અંગે ફરિયાદ કરી હતી. તાડનું ઝાડ ગામની વચ્ચોવચ હોવાથી ઉપરથી બધાના ફળિયામાં જોઈ શકાય છે.લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે આવીને તેને સમજાવ્યો હોવા છતાં એ માણસ ઘરમાં રહેવા તૈયાર નથી.
રામપ્રવેશના પિતા વિશૂનરામે આરોપ લગાવ્યો હતો કે તેના દીકરાની આ હાલત તેની ઝગડાળું પત્નીના કારણે થઈ છે.રામપ્રવેશ પર તેની પત્ની ત્રાસ ગુજારે છે અને વારંવાર મારપીટ કરે છે.મારપીટથી થાકીને એ ઘરે આવતો નથી અને ઝાડ પર રહેવા મજબૂર બની ગયો છે.આ ઘટનાનો પોલીસે વીડિયો બનાવ્યો હતો.એ પછી આસપાસના વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા ચાલી છે.