પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો અહેવાલ વૉશિંગ્ટન પોસ્ટ,ધ ગાર્ડિયન,લા મોંદે અને અન્ય 14 મીડિયા હાઉસે રવિવારે પ્રકાશિત કર્યો છે.દુનિયાભરના જાણીતા માનવાધિકાર કર્મશીલો,પત્રકારો,વકીલો તથા નામાંકિત નેતાઓ સહિત અનેક લોકોના ફોનની જાસૂસી પેગાસસ સ્પાયવૅર દ્વારા કરવામાં આવી હોવાનો મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે,જેમાં ભારતના 40થી વધુ પત્રકારોનો સમાવેશ થાય છે.
આ જાસૂસી ઇઝરાયલની સર્વેલન્સ કંપની એનએસઓ દ્વારા તાનાશાહી સરકારોને વેચવામાં આવેલી તકનીકથી થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, કંપની આનો ઇનકાર કરે છે.સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ એનએસઓને ટાંકીને કહ્યું છે કે પેગાસસ સ્પાયવૅર દ્વારા ફોનની જાસૂસીનો અહેવાલ “ખોટી ધારણાઓ પર” અને “પુષ્ટિ વિનાની થિયરી” પર આધારિત છે.એનએસઓનું કહેવું છે કે “તેનો કોઈ તથ્યાત્મક આધાર નથી અને તે સત્યથી વેગળો” છે.
કંપનીનું કહેવું છે કે સોફ્ટવૅર ફક્ત માન્યતાપ્રાપ્ત એજન્સીઓને જ વેચવામાં આવે છે, જેનો હેતુ ‘આતંકવાદ અને અપરાધો સામે લડવાનો’ છે.ઉલ્લેખનીય છે કે પેગાસસ દ્વારા કથિત જાસૂસીનો અહેવાલ વૉશિંગ્ટન પોસ્ટ, ધ ગાર્ડિયન, લા મોંદે અને અન્ય 14 મીડિયા હાઉસે રવિવારે પ્રકાશિત કર્યો છે.આરોપ છે છે કે સોફ્ટવૅર પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસને અસર કરે છે અને તેનું સંચાલન કરનાર જે તે ફોનના મૅસેજિસ, ફોટો, ઇમેલ, કૉલ રૅકર્ડ તમામ વિગતો લઈ શકે છે તથા એક ગુપ્ત માઇક્રોફોન પણ ઍક્ટિવ થઈ જાય છે.આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આખી દુનિયામાં અનેક પત્રકારો, નામાંકિત લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા, જેમાં ભારતના અનેક લોકોનો સમાવેશ થાય છે.
અહેવાલ આવ્યો તે અગાઉ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આને લઈને ટ્વીટ કર્યું હતું.
એમાં એમણે કહ્યું, “એવી અફવા છે કે વૉશિંગ્ટન પોસ્ટ અને લંડન ગાર્ડિયન એક અહેવાલ છાપવા જઈ રહ્યાં છે., જેમાં ઇઝરાયલની કંપની પેગાસસને મોદી કૅબિનેટના મંત્રી, આરએસએસના નેતાઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને પત્રકારોના ફોન ટેપ કરવામાં માટે ભાડે રાખવામાં આવી તેનો ભાંડો ફૂટશે.” આના પર કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સમેત અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, “આશા રાખું છું કે એ રિપોર્ટ છાપનારા મોદી-શાહના દબાણમાં નહીં આવે.”
દિગ્વિજય સિંહે 2019માં પેગાસસ સંબંધિત મામલો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો.એમણે પોતાના ટ્વીટમાં એનો પણ ઉલ્લેખ કર્યો.રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે તેઓ શું વાંચી રહ્યા છે – તમારા ફોન પર જે છે એ તમામ (બાબતો વાંચી રહ્યા છે).
ભવિષ્યમાં અનેક નામો સામે આવી શકે છે
ફૉરબિડન સ્ટોરીઝના સંપાદક લૉરેં રિચર્ડે બીબીસીના શશાંક ચૌહાણ સાથે ફોન પર વાતચીતમાં કહ્યું કે, “દુનિયાભરના અનેક પત્રકારો અને માનવાધિકાર કર્મશીલો આ સર્વેલન્સનો શિકાર બન્યા છે જે બતાવે છે કે આખી દુનિયામાં લોકોશાહી પર હુમલો થઈ રહ્યો છે.”
પેરિસની એક મીડિયા સંસ્થા ફૉરબિડન સ્ટોરીઝે એ લોકોની યાદી જાહેર કરી છે, જેમના ફોનની જાસૂસીનો દાવો કરવામાં આવી રહ્યો છે.ફૉરબિડન સ્ટોરીઝના સંપાદક લૉરેં રિચર્ડે બીબીસીના શશાંક ચૌહાણ સાથે ફોન પર વાતચીતમાં કહ્યું કે, “દુનિયાભરના અનેક પત્રકારો અને માનવાધિકાર કર્મશીલો આ સર્વેલન્સનો શિકાર બન્યા છે જે બતાવે છે કે આખી દુનિયામાં લોકોશાહી પર હુમલો થઈ રહ્યો છે.”
એમણે આ તપાસ બાબતે કહ્યું કે, “અમને અનેક ટેલિફોન નંબરોની યાદી મળી હતી. અમે એ જાણવાની કોશિશ કરી હતી કે આ યાદી આખરે ક્યાંથી કાઢવામાં આવી છે.આ યાદીમાં જેટલા નંબર છે તે તમામને હૅક કરવામાં આવ્યા છે એવું નથી.”
“અમે ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલની મદદથી તપાસ કરાવી તો ખબર પડી કે આમાંથી અમુક નંબરોની દેખરેખ એનએસઓ (પેગાસસ બનાવનાર કંપની) કરી રહી હતી.”રિચર્ડે કહ્યું કે તેઓ ભવિષ્યમાં અન્ય નામોની યાદી પ્રકાશિત કરશે.
એમનું કહેવું છે કે પચાસથી વધારે દેશમાં ચલાવવામાં આવી રહેલા આ સર્વેલન્સ અભિયાનનો વ્યાપ ખૂબ વિશાળ છે.એમનું કહેવું છે “પેગાસસ સ્પાયવૅર આ મામલે હથિયારની જેમ વાપરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અનેક દમદાર અહેવાલો અને અનેક લોકોનાં નામ સામે આવી શકે છે.”
દિગ્ગજ નેતાઓનો નામનો દાવો
“ડૅટાબેસમાં આ નામો હોવા એ સંકેત છે કે તેઓ જાસૂસીનો ટાર્ગેટ હતા પરંતુ તેમનો ફોન ખરેખર હૅક થયો કે નહીં તે તો ફૉરેન્સિક તપાસ પછી જ ખબર પડી શકે છે.” ધ વાયર અનુસાર “ડૅટાબેસમાં 40 પત્રકાર, ત્રણ વિપક્ષના મોટા નેતા,એક બંધારણીય પદે બિરાજમાન વ્યક્તિ,નરેન્દ્ર મોદી સરકારના બે મંત્રી,સુરક્ષા સંસ્થાઓના હાલના અને પૂર્વ વડાઓ તથા અનેક બિઝનેસમૅનોનો સમાવેશ થાય છે.”
વાયરનું કહેવું છે કે “ડૅટાબેસમાં આ નામો હોવાનો એ સંકેત છે કે તેઓ જાસૂસીનો ટાર્ગેટ હતા, પરંતુ તેમનો ફોન ખરેખર હૅક થયો કે નહીં તે તો ફૉરેન્સિક તપાસ પછી જ ખબર પડી શકે છે.”
ધ વાયરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ડૅટાબેસમાં હિંદુસ્તાન ટાઇમ્સના સંપાદક શિશિર ગુપ્તા સહિત ઇન્ડિયા ટુડે, નેટવર્ક 18, ધ હિંદુ અને ઇન્ડિયન એક્સપ્રેસ, ધ વાયરના બે સંપાદકો, ધ વાયરના ત્રણ પત્રકાર અને બે નિયમિત લેખકો સામેલ છે.આ ઉપરાંત પત્રકાર રોહિણી સિંહ અને ઇન્ડિયન એક્સપ્રેસમાં ડેપ્યુટી ઍડિટર સુશાંત સિંહનું નામ પણ સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે રોહિણી સિંહે અમિત શાહના પુત્ર જય શાહના કારોબાર પર અહેવાલ આપ્યો હતો અને સુશાંત સિંહ રફાલ કેસ પર અનેક અહેવાલ લખી ચૂક્યા છે.
અહેવાલ મુજબ “ઇન્ડિયન એક્સપ્રેસના પૂર્વ પત્રકાર સુશાંત સિંહ, ટીવી 18નાં પૂર્વ એન્કર સ્મિતા શર્મા, ઈપીડબલ્યૂના પૂર્વ સંપાદક પરંજૉય ગુહા ઠાકુરતા, આઉટલૂકના પૂર્વ પત્રકાર એસએનએમ આબિદી, ધ હિંદુનાં વિજેતા સિંહ અને ધ વાયરના બે સંપાદક સિદ્ધાર્થ વરદરાજન અને એમકે વેણુના ફોનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.”
“આ વિશ્લેષણમાં સામે આવ્યું કે આમાંથી સુશાંત, પરંજૉય, આબિદી, સિદ્ધાર્થ અને વેણુના ફોનમાં પેગાસસથી છેડછાડ કરવામાં આવી હતી.” એનએસઓ સમૂહનું કહેવું છે કે “લીક થયેલો ડૅટાબેસ પેગાસસનો ઉપયોગ કરનારી સરકારો દ્વારા ટાર્ગેટ કરવામાં આવેલા લોકોનો નથી. ” કંપનીનું કહેવું છે કે “આ ડૅટા કંપનીના મોટા ગ્રાહકોની યાદીનો હોઈ શકે છે, જેમનો ઉપયોગ અન્ય કારણસર કરવામાં આવ્યો હોઈ શકે છે.”
ભારત સરકારે આ મામલે હજી કોઈ પ્રતિક્રિયા આપી નથી.