મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી થોડા અંતરે મળેલી સ્કોર્પિયો કેસમાં ધરપકડ કરાયેલા અને મનસુખ હિરેનની હત્યાની શંકામાં ઘેરાયેલા સચિન વઝેનો સૂરજ અસ્ત થતો દેખાઈ રહ્યો છે.મહારાષ્ટ્રની સત્તાધીશ શિવસેના નજીક રહેનાર મુંબઈના ટોપ એન્કાઉન્ટર કોપ રહેલા સચિન વઝે પણ હવે આ વાત સમજી ગયા છે.તેમની હતાશા ધરપકડ પહેલાં વ્હોટ્સએપ પર પોસ્ટ કરવામાં આવેલા સ્ટેટસમાં પણ દેખાતી હતી, જેમાં તેમણે સુસાઈડના સંકેત આપ્યા હતા.
– સર્વિસ દરમિયાન શિવસેનાના ખાસ હતા વઝે
સચિન વઝેના કરિયરનો ભલે સૂર્ય અસ્ત થવા આવ્યો હોય,પરંતુ એક સમય એવો હતો,જ્યારે તેઓ મહારાષ્ટ્રના સૌથી પાવરફુલ વ્યક્તિઓમાંથી એક માનવામાં આવતા હતા.તેઓ બાળા સાહેબ ઠાકરેના ખૂબ નજીકના માનવામાં આવતા હતા.પાર્ટીના અંદરના લોકોએ જણાવ્યું હતું કે વઝેનું પાર્ટીમાં સામેલ થવું તેમના માટે આશ્ચર્યજનક ન હતું.બાળા સાહેબ ઠાકરે ઘણીવાર સચિન વઝેએ આરોપીઓ સામે કરેલી કાર્યવાહીનાં વખાણ કરી ચૂક્યા હતા.નોકરીમાંથી સસ્પેન્ડ થયા પછી સચિન વઝેને ફરી 2005 અને 2007માં ફરી પોલીસ ડિપાર્મેન્ટમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પૂર્વ સીએમ ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે વઝેને ફરી પોલીસફોર્સમાં લાવવા માટે શિવસેનાનેતા દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું.જોકે આવું ઘણી વખત કર્યા પછી પણ જ્યારે તેમને પોલીસફોર્સમાં પરત લેવામાં ન આવ્યા ત્યારે 2008માં તેમણે દશેરા રેલી દરમિયાન શિવસેના જોઈન કરી લીધી હતી.
49 વર્ષ પહેલાં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલા સચિન વઝેનો વર્ષ 1990 પહેલાં સુધી આ જ શહેરમાં ઉછેર થયો અને તેઓ મોટા થયા.અહીં તેમના કોલેજ સમયના અમુક મિત્રો અને સંબંધીઓ પણ છે.શહેરના જૂના શિવાજી પેઠે વિસ્તારમાં તેમનું એક જૂનું મકાન પણ છે, જે લગભગ બંધ જ હોય છે.બે વર્ષ પહેલાં જ્યારે તેમની માતાનું નિધન થયું ત્યારે લોકોને લાગ્યું કે તેઓ કદાચ પાછા આવશે,પરંતુ એવું ના થયું.એક પડોશીએ જણાવ્યું હતું કે છેલ્લે તેઓ અંદાજે 20 વર્ષ પહેલાં આવ્યા હતા. વચ્ચે-વચ્ચે તેમના મુંબઈમાં રહેતા ભાઈ આવતા હતા અને ઘરની સફાઈ કરીને પાછા જતા રહેતા.
– નેતાઓથી લઈને પત્રકારો સુધી પોપ્યુવર હતા વઝે
સચિન વઝે 1990માં એક સબ ઈન્સપેક્ટર તરીકે મહારાષ્ટ્ર પોલીસમાં સામેલ થયા હતા.તેમનું પહેલું પોસ્ટિંગ ગઢચિરૌલીના માઓવાદ વિસ્તારમાં થઈ હતી.બે વર્ષ પછી તેમને થાણે શહેર પોલીસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. 63થી વધારે એન્કાઉન્ટર કર્યા પછી પણ સચિન વઝેની છબી ક્લિયર રહી હતી.મુન્ના પેનાળી જેવા કુખ્યાત ગેંગસ્ટરને ઠેકાણે લગાડ્યા પછી ટોચ પર પહોંચેલા સચિન વઝે પોલિટિક્સથી લઈને પત્રકારોમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા.ઘણાં વર્ષો સુધી થાણેમાં પોસ્ટિંગ પર રહ્યા હોવાથી દરેક પત્રકારો તેમને ખૂબ સારી રીતે ઓળખતા હતા.
– એક પત્રકારની ભલામણથી જ વઝેને ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગ મળ્યું
માનવામાં આવે છે કે, સચિન વઝેને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (CIU)માં સૌથી પહેલા લાવનાર પ્રદીપ શર્મા જ હતા.શર્મા ત્યારે CIUના ઈન્ચાર્જ હતા. તેમને પત્રકારો સાથે ખૂબ સારા સંબંધો હતા અને એક પત્રકારના કહેવાથી જ વઝેને ત્યાં લાવવામાં આવ્યા હતા.સચિન વઝે ત્યાર પછી પ્રદીપ શર્માના ખૂબ ખાસ થઈ ગયા હતા અને તેમની ટીમના દયા નાયક અને તેમની વચ્ચે સ્પર્ધા પણ વધી ગઈ હતી.બંનેમાં એક સમયે સૌથી વધારે એન્કાઉન્ટર કરવાની સ્પર્ધા પણ થઈ હતી.
– કસ્ટડીમાં થયેલા મોતે વઝેનું જીવન બદલી દીધું
સતત પ્રખ્યાત થતા જતા વઝેના જીવનને એક એવા કેસે સંપૂર્ણ રીતે બદલી દીધું.આ કેસ હતો ખ્વાજા યુનુસની કસ્ટડીમાં મોતનો. 2 ડિસેમ્બર 2002માં ઘાટકોપર રેલવે સ્ટેશન પર એક બ્લાસ્ટ થયો હતો.તેમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 50થી વધારે લોકો ઘાયલ થયા હતા.મુંબઈ પોલીસે તાત્કાલિક કમિશનર એમ.એન સિંહે વઝેને આ કેસની તપાસ કમિટીમાં સામેલ કર્યા અને તેમને ડૉ. મતીન,મુઝમ્મિલ,જહીર અને ખ્વાજા યુનુસને POTA (પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ 2002) અંતર્ગત ધરપકડ કરી હતી.સચિન વઝે તરફથી જણાવવામાં આવ્યું કે મુંબઈથી ઔરંગાબાદ જવા દરમિયાન ખ્વાજા યુનુસ ફરાર થઈ ગયો.જોકે ત્યાર પછી ડૉ. મતીને તેમના નિવેદનમાં કહ્યું કે યુનુસને લોકઅપમાં ખરાબ રીતે મારવામાં આવ્યો હતો,ત્યાં જ તેનું મોત થઈ ગયું હતું. વ્યવસાયે એન્જિનિયર યુનુસની માતાએ વઝે સહિત ચાર પોલીસકર્મીઓ સામે કોર્ટના માધ્યમથી કેસ દાખલ કર્યો અને વઝેની ધરપકડ કરવામાં આવી.વઝેને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને આ કેસ આજે પણ કોર્ટમાં પેન્ડિંગ છે.
– સસ્પેન્ડ થયા પછી વઝેએ બનાવી ત્રણ IT કંપની
આ કેસમાં નામ આવ્યા પછી 3 માર્ચ 2004ના રોજ કોર્ટના આદેશ પર સચિન વઝે અને કોન્સ્ટેબલ રાજેન્દ્ર તિવારી,સુનીલ દેસાઈ અને રાજારામ નિકમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.શિવસેના સાથે જોડાયેલા સચિન વઝે ઘણાં વર્ષો સુધી પાર્ટીના પ્રવક્તા તરીકે કામ કરતા રહ્યા.જોકે હવે શિવસેના નેતાઓ કહે છે કે તેઓ ક્યારેય પાર્ટીમાં સક્રિય નહોતા.શિવસેના સાથે જોડાયા પછી વઝેએ ડિજિનેક્સ્ટ મલ્ટીમીડિયા,મલ્ટીબિલ્ડ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ અને ટેક્નિકલ સોલ્યુશન નામની ત્રણ આઈટી કંપની બનાવી હતી. બે કંપનીઓને કોર્પોરેટ મામલે મંત્રાલય (MCA)એ બંધ કરી દીધી હતી,જ્યારે ડિજિનેક્સ્ટ મલ્ટીમીડિયા અત્યારે પણ સક્રિય કંપની તરીકે કામ કરી રહી છે.માનવામાં આવે છે કે સચિન વઝેએ આ જ કંપનીમાંથી ઘણા પૈસા બનાવ્યા છે.તેઓ અત્યારે પણ આ કંપનીના ડિરેક્ટર છે.
– 16 વર્ષ પછી આ રીતે થઈ સચિન વઝેની મુંબઈ પોલીસમાં એન્ટ્રી
વઝેને 7 જૂન 2020માં મુંબઈ પોલીસમાં પરત લેવાનો નિર્ણય એક રિવ્યુ કમિટી દ્વારા લેવામાં આવ્યો.આ દરમિયાન કહેવામાં આવ્યું કે કોવિડના કારણે મુંબઈ પોલીસને વધારે કર્મચારીઓની જરૂર છે.આ રિવ્યુ કમિટીના પ્રમુખ પરમબીર સિંહ હતા.તેઓ આવા પહેલા અધિકારી નથી જેમને મુંબઈ પોલીસફોર્સમાં ફરી લેવામાં આવ્યા હતા.આ પહેલાં જ્યારે પરમબીર સિંહ તાણે પોલીસના કમિશનર હતા ત્યારે સપ્ટેમ્બર 2017માં પ્રદીપ શર્માને એન્ટી એક્સટોર્શન સેલમાં પરત લેવામાં આવ્યા હતા.પ્રદીપ શર્મા પણ નકલી એન્કાઉન્ટર કેસમાં પોલીસ વિભાગમાંથી સસ્પેન્ડ હતા.ત્યાર પછી શર્માએ વર્ષ 2019માં શિવસેના ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી.
સામાજિક એકતા માટે ઘણાં કાર્યો કર્યાં
વર્ષ 1992માં સચિન વઝેને થાણે પોલીસથી મુમ્બ્રા શિફ્ટ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ વર્ચસ્વ ધરાવતો ક્ષેત્ર હોવા છતાં વઝેએ થોડા સમયમાં જ લોકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી.વઝે માટે એવું કહેવામાં આવે છે કે તેમણે ઘણી વખત મુમ્બ્રામાં હિન્દુ-મુસ્લિમ એકતા સ્થાપિત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજે પણ લોકો તેને ખૂબ જ માને છે.ઘણીવાર બંને ધર્મોના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ વઝેને જોવા મળ્યા છે.
– બાળપણના મિત્રએ કહ્યું- ગંદા રાજકારણનો શિકાર થયા વઝે
વઝેની સાથે ક્રિકેટ રમીને મોટા થયેલા તેના મિત્ર રહીમ ખાનને તેની ધરપકડથી ભારે દુઃખ થયું છે.તેઓ કહે છે…કોલેજના દિવસો દરમિયાન સચિન અત્યંત ગંભીર અને મહેનતુ હતો.પોલીસ સેવામાં જોડાતાં પહેલાં તેઓ હંમેશાં મળતા હતા અને ઢાબા પર જઈને જમતા હતા. પોલીસ સેવામાં આવ્યા પછી તેમનું કોલ્હાપુર આવવાનું ઓછું થયું.2006થી 2008 દરમિયાન સચિન જ્યારે સસ્પેન્ડ હતા ત્યારે અમે ઘણી વખત તેની સાથે મુલાકાત કરી હતી.તેમણે એક સોફ્ટવેર ડિઝાઇન કર્યું હતું જે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેસને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરતું હતું.અમે તે સોફ્ટવેર પોલીસ સ્ટેશન,એસપી ઓફિસમાં પહોંચાડવાનું કામ કરતા હતા.એ સમય દરમિયાન અમે ઘણીવાર વાતચીત અને મુલાકાત કરતા હતા.તેઓ કોલેજ લાઈફમાં જેવા હતા એવા જ પ્રોફેશનલ લાઈફમાં હતા.ગંદા રાજકારણને કારણે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. અમે આશા રાખીએ છીએ તેઓ જલદીથી આ બધામાંથી બહાર નીકળી જશે અને અમે ફરીથી એકસાથે રહીશું.આ બધા વિવાદો વચ્ચે મેં તેની સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો,પણ હું વાત કરી શક્યો નહીં. સચિને એક પુસ્તક લખ્યું છે,જેમાં સસ્પેન્શન દરમિયાનના અનુભવો શેર કર્યા છે. એ સિસ્ટમ બાબતે નારાજ હતા.સસ્પેન્શન દરમિયાન વઝેએ 3 પુસ્તક પણ લખ્યાં છે.
– સચિન વઝે બે મોટા કેસોમાં ફસાયેલા જોવા મળ્યા
NIAનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, 25 ફેબ્રુઆરી 2021ના રોજ સચિન વઝે કારમાઈકલ રોડ (મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા નજીક) પર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો ઊભી કરનાર લોકોમાં સામેલ છે.સૂત્રો એવું પણ જણાવે છે કે વઝેએ આ મામલામાં તેમની ભૂમિકા સ્વીકારી પણ લીધી છે,જોકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આ સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર પાર્ક હતી.તેના માલિક તરીકે થાણેમાં ઓટો પાર્ટ્સના વેપારી મનસુખ હિરેનનું નામ સામે આવ્યું હતું.તેણે આ અંગે પોલીસને માહિતી આપી હતી કે જે સ્કોર્પિયો મુકેશ અંબાણીના ઘરની બહાર પાર્ક કરેલી હતી તે સ્કોર્પિયો આ ઘટનાના એક અઠવાડિયા પહેલાં જ ચોરી થઈ ગઈ હતી.ત્યાર બાદ 5 માર્ચ 2021ના રોજ મનસુખ હિરેન મુંબઇના એક નાળામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.મનસુખ હિરેનની પત્ની વિમલા હિરેને તેના પતિની હત્યા પાછળ સચિન વઝેનો હાથ હોવાનું જણાવ્યું છે.વિમલા હિરેને દાવો કર્યો છે કે પતિએ નવેમ્બરમાં પોલીસ અધિકારીને SUV આપી હતી,જેને તેમણે ફેબ્રુઆરી પહેલા અઠવાડિયામાં પરત આપી દીધી હતી.આ મામલે મહારાષ્ટ્ર ATSએ પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ સતત ચાલી રહી છે.