– માછીમાર સંગઠનોએ ગુજરાત સરકાર સમક્ષ આર્થિક પેકેજ આપવા મુદ્દો ઉઠાવ્યો
– ચીન સાથેના વ્યાપારિક સંબંધોમાં તિરાડથી ફિશિંગને પણ ફટકો
વલસાડ : વલસાડ જિલ્લા સહિત દ.ગુ.ના 2 લાખથી વધુ માછીમારોનો મચ્છીમારીના વ્યવસાયને કોરોનાકાળ,માવઠાં અને એક્સપોર્ટ બંધના ત્રિપલ મારના કારણે લાખોની ખોટ ભોગવાની નોબત આવતાં હાલત કફોડી બની છે.કોરોનાના કપરા 8 માસ દરમિયાન માછીમારોના વ્યસાયને ગંભીર અસર વર્તાઇ હતી.
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના માછીમારોની 7 હજારથી વધુ બોટનો ફિશિંગ બંધ થઇ જતાં લાખોની ખોટ સહન કરવી પડી છે.તેમાંય વલસાડ જિલ્લામાં જાન્યુઆરીમાં માવઠાંના કારણે સૂકી મચ્છી અને સૂકા બુમલાનો પાક બગડી જતાં રૂ.2 કરોડથી વધુનું નુકસાન થતાં માછીમારો વધુ મુશ્કેલીમાં મૂકાયા હતા.દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં અંદાજિત રૂ. 15 થી 20 કરોડના ધંધાને ફટકો પડ્યો છે.
આ અગાઉ કોરોના કાળમાં બોટો બંધ થઇ જતાં વ્યવસાય પણ બંધ થઇ ગયો હતો.આ સાથે ચીન સહિતના દેશોમાં કરવામાં આવતાં 60 ટકા મચ્છીના
એક્સપોર્ટના વ્યવસાયને પણ બ્રેક લાગી ગઇ છે.માછીમારોની બોટ લાંગરી દેવામાં આવતાં તેના મેઇન્ટેનન્સનો ખર્ચો આવી પડતાં મુશ્કેલીમાં વધુ ઉમેરો થયો હતો.આ તમામ આર્થિક ફટકાથી માછીમારોને આર્થિક કમ્મર ભાંગી ગઇ છે.જેના પગલે માછીમાર સંગઠનોએ સ્થાનિક સ્તરેથી રાજ્ય સરકારના મંત્રીઓ,સાંસદ અને પ્રદેશ ભાજપના નેતાઓને સહાય અંગે રજૂઆતો કરી હતી.પરંતુ હજી કોઇ નિર્ણય ન આવતા માછીમાર સંગઠનો હવે રાજ્ય સરકાર પાસે આર્થિક પેકેજ આપવા માગણી કરી રહ્યા છે.જે માટે સીએમ સમક્ષ અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન દ્વારા આર્થિક પેકજની માગણી કરવા સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવાયો છે.
ફિશ મીલનો ધંધો બંધ થતાં માઠી અસર સૂકી માછલીઓમાંથી ફર્ટિલાઇઝર ખાતર, તથા ફિશ મીલ બનાવતી કંપનીઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.જે 60 થી 70 ટકા એક્સપોર્ટ મચ્છીનું એક્સપોર્ટ પ્રોસેસિંગ પ્લાન્ટમાં પેકિંગ કરી કન્ટેનરો દ્વારા વિશ્વના વિવિધ દેશોમા નિકાસ થાય છે.ફીશ મીલો બંધ થતા સ્થાનિક માછીમારોને માઠી અસર થઇ છે.
એક્સપોર્ટના 1500 કરોડનું ચૂકવણું ન થતાં માછીમારોનું પેમેન્ટ અટવાયું
માછીમારોના જણાવ્યા મુજબ કોરોનાના કારણે નિકાસ બંધ થવાથી ગુજરાત રાજ્યમાંથી થતી મચ્છી એક્સપોર્ટના રૂ.1500 કરોડનું ચૂકવણું ન થતાં સ્થાનિક માછીમારોના બિલનું પેમેન્ટ થઇ શક્યું નથી. ભારતની મચ્છીની ચીનમાં મોટા પ્રમાણમાં માગ છે.ગુજરાતની 70 ટકા જેટલી મચ્છી ચીન જાય છે,પરંતુ કોરોનાના કારણે અને દેશની રાજકીય બાબતોને લઇ ચીન સાથેના વ્યાપારિક સંબંધોમાં તિરાડ પડતાં અન્ય ધંધા પર અસર થઇ તેમ ફિશિંગને પણ મોટા પ્રમાણમાં અસર થઇ છે.ચીને ભારતથી આવતા તમામ માછલીના કન્ટેનરોને લેવા ના પાડતાં અને અગાઉ મોકલેલા માલના નાણાં ન ચૂકવવાના કારણે એક્સપોર્ટરોએ સ્થાનિક માછીમારોને બિલનું પેમેન્ટ કરી શક્યા નથી.તેથી માછીમારોએ પોતાના ધંધાને ચાલૂ રાખવા નાણાંની તંગીને લઇ બોટ બંધ રાખવાની ફરજ પડી છે.
60 ટકા મચ્છી એક્સપોર્ટ થાય છે
માછીમારી કરતી ફિશિંગ બોટમાં વિવિધ પ્રકારની રામચ,પાપલેટ, ઝિંગા સહિત મચ્છીઓના 60 ટકા હિસ્સો એક્સપોર્ટ કરવામાં આવે છે.જેે હાલે બંધ છે.20 થી 30 ટકા તાજી મચ્છી લોકલ માર્કેટમાંવેચાણે જાય છે.જ્યારે 10 થી 20 ટકા સૂકવીને વેચાણ થાય છે. > ગીરીશ ટંડેલ,મંત્રી, અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશન