– જો સરકાર આ મુદ્દે ઉકેલ ન લાવે તો મૂલ્યાંકન કામગીરી રોકાશે અને પરિણામમાં વિલંબ થશે
અમદાવાદ પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા શૈક્ષિક સંઘોએ સાથે મળીને બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.જો સરકારે આગામી દિવસોમાં આ મુદ્દે કોઈ ઉકેલ નહી લાવે અને શૈક્ષિક સંઘો પોતાની વાત પર અડગ રહી શિક્ષકોને મૂલ્યાંકન કામગીરી નહી જોડાવા દે તો મૂલ્યાંકન કામગીરી રોકાતા પરિણામ જાહેર વિલંબ થશે.
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી,નાણાંમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપીને આગામી બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. શૈક્ષણિક સંઘે રજૂઆત કરી છે કે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકો માટે પરિપત્ર કરાયો નથી.
શૈક્ષણિક સંઘની માંગ છે કે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણવામા આવે તેમજ વર્ધિત પેન્શન યોજના નાબુદ કરી જુની પેન્શન યોજના અમલ કરવામા આવે, એક-એક વર્ગની શાળામાં ૩ શિક્ષક પ્લસ એક આચાર્યનું મહેકમ આપવામા આવે તથા પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિને બદલે ગ્રાન્ટની જૂની પદ્ધતિ અમલમાં મુકવામા આવે અને બિન સૈક્ષણિક કર્મચારીઓની બઢતી તથા ભરતી કરવામા આવે.આ ઉપરાંત શૈક્ષણિક સંઘે સાતમા પગાર પંચના એરિયર્સના બાકી હપ્તા ચુકવવા તેમજ આચાર્યો અને વહિવટી કર્મચારીઓને એલટીસીનો રોકડ વિકલ્પનો લાભ આપવા પણ માંગણી કરી છે.