ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદ બાદ સી. આર. પાટીલે ટ્વીટ કર્યું હતું, ‘રાજ્યમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે.આ ખેતી માટે ખૂબ સારા સમાચાર છે. તેના કારણે આગામી સમયમાં ગ્રામીણ ઇકૉનૉમી વધારે મજબૂત બનીને ઊભરશે એવી આશા રાખું છું.’
સી.આર. પાટીલના આ ટ્વીટ બાદ લોકોએ તેમને ખૂબ ટ્રૉલ કર્યા છે અને પોતાને ખેડૂત ગણાવતાં સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્વિટર પર પોતાનો રોષ ઠાવી રહેલા જોવા મળ્યા હતા.ગુજરાતમાં અનરાધાર પડેલા વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.નદી કાંઠાના,નીચાણવાળા તથા ડેમ પાસેના વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરો ધોવાયાં છે અને પાકનો સફાયો થઈ ગયો છે.તેવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આ ટ્વીટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધર્મેશ પટેલ નામના ટ્વિટર યૂઝર લખે છે, “અહીં આવો તો ખબર પડે કે 102 ટકા વરસાદથી ફાયદો થયો કે નુકસાન. મગફળીમાં ફૂગ આવી ગઈ, મરચાં બળી ગયાં. મગ, અડદ અને તલના પાક 110 ટકા હાથમાંથી ગયા અને તમે કહો છો કે ઇકૉનૉમી ઉપર આવશે.”
‘પટેલનો દીકરો’ નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, ‘આ સાહેબને સમજાવો કે આ વરસાદ નહીં પણ અતિવૃષ્ટિ કહેવાય.’ દેસાઈ જિગર નામના એક ટ્વિટર યૂઝર લખે છે, ‘સાહેબ, ગ્રામીણ ઇકૉનૉમી માત્ર વરસાદ આધારિત નથી.અત્યારે વધારે વરસાદના લીધે ખેડૂતોનો 75% પાક નિષ્ફળ ગયો છે.’
જનતા નામના એક ટ્વિટર યૂઝરે કહ્યું, ‘તમારા માટે ખુશી હશે, પણ ખેડૂતો માટે તો રોવાનો સમય છે.’ આ સાથે જ લોકોએ સી. આર. પાટીલની રેલીઓ પર પણ કટાક્ષ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે કરોના વાઇરસના સંક્રમણ વચ્ચે રેલીઓ, સરઘસો યોજવાં અને સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવાના આક્ષેપો પાટીલ પર થતા આવ્યા છે.
કાર્તિક આહિર નામના એક ટ્વિટર યૂઝર કહે છે, ‘સાહેબ આ અતિવૃષ્ટિ છે. ખેતરો પાણી પાણી થયાં છે.તમારે તો રેલી કરીને રાસ ગરબા લેવા છે.ખેડૂતોની હાલત તમે શું સમજો.’
નિકુંજ ઉમરેઠિયા લખે છે, ‘જો ખેતીની જાણકારી જોઈતી હોય તો ગમે ત્યાં રેલીનું આયોજન ન કરાય. ખેડૂતો પાસે જવાય અને જોવાય કે તેમની શું પરિસ્થિતિ છે. ‘બળવંત કટારિયા કહે છે, ‘જે સારા સમાચારની તમે વાત કરી તે હકીકતમાં ઑફિસમાં બેઠા-બેઠા ન ખબર પડે.તેના માટે ખેડૂતોની રૂબરૂ મુલાકાત લેવી પડે.જો તમારી પાસે સમય ન હોય,તો રેલીમાં જોડાયેલા લોકો હતા તેમને કહો કે રેલીના બદલે ખેડૂતોની મુલાકાત કરે.’
ખેડૂતોની ચિંતા
સતત બે અઠવાડિયાં સુધી પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે.ખેડૂતો માટે ચોમાસુ પાક એટલે કે ખરીફ પાકની આ સૌથી મુખ્ય સિઝન છે.જેમાં અતિભારે વરસાદ પડતાં હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાનની ચિંતા સતાવી રહી છે.આ જિલ્લાઓમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક લેવામાં આવે છે.જેમાં પાણી ભરાઈ જતાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે.