અમદાવાદ : સદગુરુ જગ્ગી વાસુદેવજી દ્વારા‘માટી બચાવો’ની વૈશ્વિક પહેલ કરવામાં આવી છે.આ બાબતે સમાજમાં જાગૃતિ લાવવા માટે સદગૂરુએ વિશ્વના 73 દેશ સાથે MoU કર્યા છે.અનોખા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે બાઇક પર 100 દિવસનો પ્રવાસ કરી રહેલા સદગુરુએ અમદાવાદમાં તેમના 72મા દિવસની યાત્રા દરમિયાન લોકોને માટી બચાવવા અંગેની જાગૃતિ કેળવતો કાર્યક્રમ કર્યો હતો.ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,ગુજરાત પોલીસ અને ઇશા ફાઉન્ડેશન દ્વારા સદગુરુ સાથે ખાસ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરિસંવાદમાં સદગુરુએ જણાવ્યું હતું કે,વર્તમાન સમયમાં દુનિયાના દેશોમાં માટીને બચાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવતી નથી,જે અયોગ્ય છે.માટીની જાળવણી માટે ખાસ પ્રયાસ કરવા જરૂરી છે. સદગુરુએ કહ્યું કે,સારી જમીનમાં 3થી 6 ટકા જૈવિક તત્વ હોવું જોઇએ.તેની સામે ભારતની જમીનમાં માત્ર 0.68 ટકા જૈવિક તત્વો છે.જેથી ભારત ખૂબ જ ઝડપથી રણમાં ફેરવાઇ રહ્યું છે.જમીન બચાવવા માટે આપણે સૌએ સાથે મળીને પબ્લિક મેન્ડેટના ભાગરૂપે નીતિ ઘડવા માટે સરકારને વિનંતી કરવાની સાથોસાથ લાંબા ગાળાની પ્રોત્સાહન આધારિત નીતિ ઘડવા પર પણ ભાર મૂકયો હતો.પરિસંવાદમાં લોકોએ અભિયાન અંગે પોતાની મુંઝવણો વ્યક્ત કરી હતી અને સદગુરુએ
તેનું સમાધાન કર્યું હતું.પરિસંવાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી,GCCIના સંજીવ છાજર તથા નવરોજ તારાપોર,ડીજીપી આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણ અંતર્ગત અનોખી કામગીરી કરી રહેલા શૈલેષ પટવારીએ સદગુરુનું સ્વાગત કર્યું હતું જ્યારે આઇપીએસ ડો.લવિના સિંહાએ આભારવિધિ કરી હતી.