અમદાવાદ : છ વર્ષના ટ્વીન્સ બાળકોની કસ્ટડીના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટમાં ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે પતિ-પત્ની (માતા-પિતા)ને પોતાના વિવાદનો સુખદ અંત લાવવાનો પ્રયત્ન કરવાનો આદેશ કર્યો છે.આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસે એવી ટકોર કરી હતી કે,‘માતા-પિતાએ જેટલું લડવું હોય એ લડે પરંતુ બાળકોની સામે નહીં.બાળકોના મન પર અને એમના બાળપણ ઉપર માતા-પિતાના વિવાદોની અવળી અસર પડે છે.દરેક બાળકને સારું ‘બાળપણ’ મળવું જોઇએ.કેમ કે બાળપણ ખૂબ મહત્ત્વનું છે અને એટલે જ એને ‘બાળપણની યાદો’ કહેવાય છે.’ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસની સુનાવણી દરમિયાન માતા અને પિતાને એવી માર્મિક ટકોર કરી હતી કે,‘ દરેક બાળકોને માતા અને પિતા બંનેનો પ્રેમ અને હૂંફ મળવા જોઇએ.આવા મુદ્દે કોર્ટ માતા-પિતાને એવા આદેશો ન કરી શકે કે તેઓ તેમના બાળકો પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવે.આ ‘અનુભવવા’ની બાબત છે ‘સમજાવવા’ની બાબત નથી.તેથી માતા-પિતાએ સૌથી પહેલા એમના બાળકો પર પ્રેમ અને લાગણીનો ધોધ વરસાવવો જોઇએ.આ કેસમાં તો દંપતિના પ્રેમ લગ્ન હતા તો તેમણે એ પ્રેમની જ્વાળાને ફરીથી પ્રજ્વલિત કરવી જોઇએ.’
આ સમગ્ર કેસ વિચિત્ર તથ્યો ધરાવે છે.જેમાં ફેમિલી કોર્ટ સમક્ષ બંને પતિ-પત્નીનો કેસ પેન્ડિંગ છે અને તેમણે વર્ષ ૨૦૧૮માં એક કન્સેન્ટ ટર્મ (શરતી મંજૂરીઓ)નો સ્વીકાર કર્યો હતો. જેમાં બાળકોની કસ્ટડી માટેની હંગામી વ્યવસ્થા કરવામાં આવી હતી અને પતિને વિઝીટેશન રાઇટ્સ આપ્યા હતા.જોકે પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી બાળકોની સાર-સંભાળ માટે તેમના દાદા-દાદી ખાસ બેલગામ કર્ણાટકની અહીં આવ્યા હતા અને છેલ્લા ત્રણ વર્ષથી તેઓ બાળકોની કાળજી લઇ રહ્યા હતાં.જોકે પત્નીએ કન્સેન્ટ ટર્મ્સનો ભંગ કર્યો હતો અને તે બાળકોને લઇને જતી રહી હતી અને હવે તે દાદા-દાદી કે પતિને બાળકોને મળવા દેતી નથી.તેથી પતિ દ્વારા પત્ની વિરુદ્ધ કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,‘બાળકોની કસ્ટડીની મેટર્સમાં વાલીઓએ મગજ દોડાવવું જોઇએ અને આ મુદ્દાનો નિકાલ કોર્ટની બહાર જ થાય એ સુનિશ્ચિત કરવું જોઇએ.’