અમદાવાદ, તા. 07 સપ્ટેમ્બર 2022, બુધવાર : આવકવેરા વિભાગે માત્ર નામની જ પોલિટિકલ પાર્ટી હોય એવા ભૂતિયા રાજકીય પક્ષોને ડોનેશન આપીને ટેક્સ ચોરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.આઈટી વિભાગે રાજ્યમાં મેગા ઓપરેશન હાથ ધરીને અમદાવાદ સહિત 40થી 50 સ્થળોએ દરોડો પાડ્યો છે અને તપાસ હાથ ધરી છે.બ્લેક મની એટલે કે, કાળા નાણાંને વ્હાઈટ કરવા માટેના ગોરખધંધાનો પર્દાફાશ કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકીય ફંડ અંગેના આ મેગો આપરેશન અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં 100થી પણ વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ ચૂંટણી વર્ષ ચાલી રહ્યું છે.તે પહેલા રાજકીય ફંડિંગ મામલે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રાજ્યભરમાં 40 થી વધુ જગ્યાઓ પર વ્યાપર દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.ઇન્કમટેક્સની મોટી કાર્યવાહીને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.રાજ્યમાં ભાજપ સત્તામાં છે.અને વિરોધી રાજકીય પાર્ટી તરીકે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી મોટી ટક્કર આપી રહી છે.રાજ્યમાં ચૂંટણી વર્ષ હોવાને કારણે રાજકીય આક્ષેપો – પ્રતિઆક્ષેપોનો સિલસિલો ચાલી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અમદાવાદ સહિત રાજ્યના 40 થી વધુ ઠેકાણે ઇન્કમટેક્સની વિવિધ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહી રાજકીય ફંડિંગ સંબંધિત છે.જેમાં કાળા નાણાં સફેદ કરીને આપવામાં આવતું હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું છે.જૈ પૈકી કેટલાક વેપારીઓ છે તો કેટલાક શૈક્ષણિક સંસ્થા હોવાનું પણ સામે આવ્યું છે.
ઇન્કમટેક્સ વિભાગની મોટી કાર્યવાહી બાદ શું સામે આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને લઇને પણ રાજકીય આરોપ મુકાય તો નવાઇ નહિ.આ કાર્યવાહી માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશમાં કુલ મળીને 100 જેટલા ઠેકાણે ચાલી રહી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
આવકવેરા વિભાગે થોડા સમય પહેલા જ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતા રાજકીય પક્ષોને ડોનેશન આપનારા રાજ્યના 4,000 જેટલા કરદાતાઓને નોટિસ ફટકારવા માટે તૈયારીઓ હાથ ધરી હતી.આઈટી વિભાગે રાજકીય પક્ષોના હિસાબો અને ડિક્લેરેશનની તપાસ કરી હતી જેમાં અનેક પક્ષો સક્રિય રાજકારણમાં કોઈ ભૂમિકા ન ધરાવતા હોવાનું સામે આવ્યું હતું.આવા ભૂતિયા પક્ષો વ્હાઈટમાં ડોનેશન મેળવે છે અને 10-20 ટકા જેટલું કમિશન બાદ કરીને બાકીની રકમ રોકડમાં પરત કરી દેતા હોય છે.જોકે ટેક્સ બચાવવા માટે આવા
પક્ષોને ડોનેશન આપનારાઓ હવે સકંજામાં આવી રહ્યા છે.
આ પ્રકારની ‘કેશ બેક’ની મોડસ ઓપરેન્ડી સમજવા માટે અનેક નાના અને સ્થાનિક રાજકીય પક્ષો સામે મોટા પાયે એક્શન લેવામાં આવેલી છે.આઈટી વિભાગના અધિકારીઓએ વર્ષ 2020-21 દરમિયાન 2,000 કરોડના શંકાસ્પદ વ્યવહારો અને 30 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ને પણ તે અંગે રિપોર્ટ મોકલવામાં આવેલો હતો.
આ પ્રકારના ભૂતિયા રાજકીય પક્ષો કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરતા હોય છે. કલમ 80GGB અંતર્ગત રાજકીય પક્ષોને આપવામાં આવતા દાન પર ઈન્કમ ટેક્સ બાદ મળે છે.આ કારણે પેઢીઓ કે પછી ટેક્સ પેયર્સ તેનો ફાયદો ઉઠાવવા માટે આવા ભૂતિયા રાજકીય પક્ષોને ચેકમાં ડોનેશન આપે છે.બાદમાં આવા પક્ષો ચેક દ્વારા મળેલી રકમમાંથી 10-20 ટકા જેટલું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં પરત કરી દેતા હોય છે.