અમદાવાદમાં આજે શુક્રવારથી લગ્નની સિઝન ચાલુ થઇ છે.વૈશાખ મહિનામાં ધુમ લગ્નો હશે. ત્યારે મોંઘવારીએ લગ્નપ્રસંગને મોંઘોદાટ બનાવી દીધો છે.એક મધ્યમવર્ગીય પરિવાર માટે લગ્ન પ્રસંગ કાઢવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઇ રહ્યો છે.કેટરિંગ,મંડપ ડેકોરેશન,બેન્ડબાજા,કપડા,સોનું સહિતની વસ્તુઓમાં વધેલા ભાવે લગ્ન ખર્ચ ૩૦ ટકાથી પણ વધુ વધારી દીધો છે.
લોકોએ હવે ભોજનની થાળીના મેનું ઘટાડી,જરૂરિયાતની માત્રામાં મહેમાનોને આમંત્રણ આપી,બેન્ડબાજા,વધારે પડતી સજાવટ બંધ રાખીને સાદગી પૂર્વક લગ્ન પતાવીને ખર્ચમાં કાપ મુકવાની ફરજ પડી રહી છે.
હરખથી અને તિજોરી ખુલ્લી મુકીને દુનિયા દેખાવ માટે કરતા લગ્નના આંધળા ખર્ચાઓ કરવાનું હવે લોકો કોરાનાકાળ,મોંઘવારીને લઇને ટાળી રહ્યા છે.૧૦ ગ્રામ સોનાનો ભાવ ૫૩ હજારની આસપાસ ચાલી રહ્યો છે.સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે.
લગ્નમાં બેન્ડબાજાનું વિશેષ મહત્વ છે.બેન્ડબાજાના ખર્ચમાં પણ આ વર્ષે ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે.અગાઉ ૧૦ થી ૧૨ હજારમાં બેન્ડવાજા વાળા મળી રહેતા હતા.હાલમાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયાનો ભાવ પણ બેન્ડબાજા વાળાને પોષાય તેમ રહ્યો નથી.બંને પક્ષની ગરજ અને કસાકસીના ભાવતાલ નક્કી થાય તો પણ ૧૩ થી ૧૪ હજારમાં બેન્ડબાજા વાળા મળે છે.
ઇન્ડિયા મ્યુઝિક બેન્ડના સંચાલક નાગેશ્વર તાવલેના જણાવ્યા મુજબ ૧૧ માણસની જોડી હોય છે.દરેકને ઓછામાં ઓછા ૧ હજાર મળવા જોઇએ તો જ પોષાય તેમ છે.કોરોનાકાળમાં બેકારી ભોગવી હવે મોંઘવારીએ ધંધા તોડી નાંખ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હોવાથી જનરેટરનો ખર્ચ પહેલા ૫૦૦ થતો હતો હવે ૧૦૦૦ રૂપિયા થાય છે.કારીગરોની હાજરી ૫૦૦ થી વધીને ૮૦૦ થઇ ગઇ છે. દુકાનભાડુ,લાઇટ બીલ,છોટાહાથી સાધનનું ૨૦૦૦ રૂપિયા ભાડુ હોય છે.આમ ખર્ચો વધી જતા મોટાભાગનો મધ્યમવર્ગ હવે બેન્ડબાજા મંગાવવાનું ટાળે છે. ધંધો ૩૫ ટકા રહી ગયો છે.
બીજી બાજુ કેટરિંગનો ખર્ચો પણ વધી ગયો છે.પહેલા ૧૦૦થી ૧૨૦માં ભોજનની ડીશ મળતી હતી. જે હાલમાં ૧૫૦ થી ૧૬૦ રૂપિયામાં મળે છે.જેમાં એક સ્વીટ, બે શાક,એક ફરસાણ,પુરી, દાળ-ભાત.પાપડ,સલાડ,પાણીનો સમાવેશ થાય છે.કાઉન્ટર પર પીરસનારાઓ પણ મજૂરી વધારે માંગી રહ્યા છે.તમામ શાકભાજીના ભાવ વધ્યા,તેલનો ડબો પહેલા જે ૧૮૦૦થી ૨,૨૦૦માં મળતો હતો તે હાલમાં ૨,૭૦૦ થી ૨,૮૦૦માં મળી રહ્યો છે.તુવેરદાળ ૮૫ થી ૯૦ રૂપિયે કિલો મળતી હતી તે હાલમાં ૧૦૦થી ૧૧૦માં મળે છે.આમ મોંઘવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે.
આ મોંઘવારીમાં નોંધપાત્ર બાબત એ રહી કે હવે લોકો સિમિત સંખ્યામાં મહેમાનો બોલાવે છે,સાગદીથી લગ્ન કરે છે,પાર્ટી પ્લોટના બદલે બેંકલેટમાં ૨૦૦થી૩૦૦ માણસોની હાજરી વચ્ચે લગ્નપ્રસંગ પુરો કરી દે છે.આમ પાર્ટી પ્લોટના સંચાલકોને પણ નુકશાની,મંદીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તો તળિયાના ભાવ આપીને ધંધો ચલાવવો પડી રહ્યો છે.
મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા દીપસિંહના જણાવ્યા મુજબ મંડપ ડેકોરેશનનો વ્યાપ વધ્યો છે.નવા સાધના ેલોકો માંગી રહ્યા છે.ટેબલ, ખુરશી,ગાદલા,સ્ટેજ,લગ્નની ચોળી,ગેટ,વાસણો,સોફા,જમીન પરનું ફ્લોર, આકર્ષક દિવાલો,કુલર સહિતની વસ્તુઓની પણ માંગ હોય છે.મંડપ ડેકેરોશનમાં પણ ૩૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.મજૂરી ખર્ચ વધ્યો છે.