– ભાઈપુરા વોર્ડના કાર્યકર્તાને લોકડાઉનના કારણે ખાવાના પણ ફાંફા
અમદાવાદ : રાજ્યમાં લોકડાઉન 3.0 સખ્તાઈથી અમલમાં કરવામાં આવી રહ્યો છે.ત્યારે લોકડાઉન વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં લોકડાઉન વચ્ચે ભાજપના કાર્યકર્તાની સ્થિતિ અત્યંત કફોડી બની છે.છેલ્લા 30 વર્ષથી શહેરનાં અમરાઈવાડી વિસ્તારનાં ભાઈપુરા વોર્ડના કાર્યકર્તાને લોકડાઉનના કારણે ખાવાના પણ ફાંફા પડી રહયા છે.આ કાર્યકર્તા ભાજપ પક્ષમાં છે.ભાજપમાં હોવા છતાં કોઈ કાર્યકર્તાને મદદ નહીં કરતું હોવાનો એકરાર કરવામાં આવી રહ્યો છે.કાર્યકર્તાઓનું કહેવુ છે કે,રાજકીય પાર્ટીના હોદ્દા પર હોવાથી મદદ માંગતા પણ સંકોચ અનુભવાય છે.
કોરોનાને કારણે હાલ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ શહેરમાં ભાજપના એક કાર્યકરો વીડિયો વાયરલ કરીને ઘર ચલાવવા માટે ફાંફાં પડી રહ્યાનું જણાવ્યું છે.તેમના કહેવા પ્રમાણે તેમને ઘર ચલાવવામાં ખૂબ તકલીફ પડી રહી છે.જોકે,સ્વમાનના ભોગે તેઓ આ વાત કોઈને કહી પણ નથી શકતા.તેમના કહેવા પ્રમાણે જ્યારે કોઈ પાસે હાથ લંબાવીએ છીએ ત્યારે લોકો કહે છે કે તેઓ તો ભાજપના કાર્યકર છે.અમદાવાદ શહેરમાં ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાંથી અનુસુચિત જાતિના કોષાધ્યક્ષ કલાભાઈ વઢીયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષથી વિવિધ હોદ્દા પર રહીને સેવા આપી ચુક્યા છે.તેઓને હાલ પોતાનું ઘર ચલાવવામા ખૂબ જ તકલીફ પડી રહી છે.સ્વમાનને ભોગે તેઓ હાલ કોઈ પાસે કોઈ પણ પ્રકારની મદદ પણ માંગી શકતા નથી.જોકે, હવે ધીરજનો અંત આવતા તેમણે પોતાની લાગણી વીડિયો મારફતે વ્યક્ત કરી છે.ભાજપના નેતાઓ સત્યથી વાકેફ થાય તે માટે તેઓએ આ વીડિયો વાયરલ કર્યો છે.
વીડિયોમાં કાલાભાઈએ શું વ્યથા ઠાલવી?
વીડિયોમાં કલાભાઈ કહી રહ્યા છે કે, “હું છેલ્લા છેલ્લા 30 વર્ષથી જવાબદારી નિભાવું છું.હાલ અનુસુચિત મોરચામાં કોષાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યો છું.ભાજપના કોઈ નેતા હાલ દલિત મોરચામાં પૂછવા તૈયાર નથી કે તમે શું કરો છો,તમારી હાલત શું છે.કોઈ નેતા કંઈ બોલવા તૈયાર નથી.અમે હોદેદારોને ફોન કરીએ તો તેઓ પણ પૂછતા નથી કે તમે શું કરો છો? તમારી હાલત કેવી છે? આજે મારે ખાવાના ફાંફાં છે.બે છોકરા અને હું તમામ બેકાર છીએ.નેતાઓને પૂછીએ તો તેઓ કંઈ બોલવા જ તૈયાર નથી. 30 વર્ષથી સેવા આપીએ છીએ પરંતુ અત્યારે હાલત ખૂબ ખરાબ છે.છોકરાઓ પૂછે છે કે તમે આટલા વર્ષોથી ભાજપમાં છો તો શું કર્યું? ચાલીવાળા પાસે હાથ લાંબો કરીએ ત્યારે તેઓ કહે છે કે તમે તો ભાજપના નેતા છો તો પણ તમારું કંઈ ઉપજતું નથી.લોકો પાસે હાથ લંબાવીએ તો તેઓ કહે છે કે તમે તો ભાજપવાળા છો.તમારું પણ કોઈ નથી સાંભળતું? ખાવાના ફાંફા છે ત્યારે લોકો કહે છે કે શું ભાજપવાળા તમને કંઈ નથી આપતા?”