કોરોનાકાળ-લોકડાઉનથી નાણાકીય સંકટ ભોગવતા નવા વેપારીઓને બેંકોના માથાભારે રિકવરી એજન્ટોથી બચાવવા માટે વેપાર ઉદ્યોગ સંગઠન મેદાને આવ્યું છે. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા રાજયના ગૃહપ્રધાન સમક્ષ ધા નાખી છે.ભૂમાફીયા તથા વ્હાઈટ કોલર ગુંડાઓ માટે આકરો કાયદો ઘડવામાં આવ્યો છે તેવી જ રીતે કાયદો હાથમાં લેતા લોન રિકવરી એજન્ટો માટે પણ કાનૂની જોગવાઈઓ કરવાની માંગ ઉઠાવી છે.
રાજયસભામાં સભ્ય વેપારીઓ ધરાવતા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને વર્તમાન કોરોનાકાળમાં નાના વેપારીઓને પડતી મુશ્કેલીનો મુદો ઉઠાવવા પહેલ કરી છે.રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર પાઠવીને એવી રજુઆત કરી છે કે પ્રવર્તમાન કોરોનાકાળમાં નાના-મધ્યમ વેપારીઓના ધંધાને વ્યાપક અસર છે.નાણાંકીય સંકટનો સામનો કરી રહ્યા છે.
સરકારે લોન ચુકવણીમાં થોડો વખત રાહત આપી હતી તે પુર્ણ થઈ છે ત્યારે લોન રિકવરી એજન્ટો નાના-મધ્યમ વર્ગની વાસ્તવિક સ્થિતિને લક્ષ્યમાં લીધા પઠાણી ઉઘરાણી થઈ છે.કોરોનાકાળ અગાઉ પણ ધાકધમકીથી કાયદો હાથમાં લઈને નાણશં કઢાવવાના કિસ્સા નોંધાયા જ છે ત્યારે આ પ્રવૃતિઓમાં સરકારી દરમ્યાનગીરી અનિવાર્ય થઈ પડી છે.
વાહન,પર્સનલ કે અન્ય કોઈ પણ લોનની ચુકવણીમાં ઢીલના સંજોગોમાં ધાકધમકી આપીર્ને ભયનું વાતાવરણ સર્જે છે.ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ વાતચીતમાં એમ કહ્યું કે બેંકોને લોન રિકવરી એજન્ટો નિમવાની રિઝર્વ બેંકે જ છુટ્ટ આપી છે.પરંતુ રિકવરી પ્રક્રિયા માટે નિશ્ચિત માર્ગદર્શિકા છે તેમાં પઠાણી ઉઘરાણી કે ધાકધમકીને કોઈ સ્થાન નથી છતાં નાના-મધ્યમવર્ગ પાસેથી રિકવરી એજન્ટો ધાકધમકીથી જ નાણાં કઢાવતા હોય છે.
આ પ્રકારના સંજોગો નિવારવા માટે રાજય સરકારને દરમ્યાનગરી કરીને કાનૂની જોગવાઈઓ કરવાની માંગ છે.દરેક બેંકના રિકવરી એજન્ટો તથા તેમને સોંપવામાં આવતા કેસોનું પોલીસ સમક્ષ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવે અને ઉઘરાણી પ્રક્રિયા દરમ્યાન પોલીસની હાજરી ફરજીયાત બનાવવામાં આવે એટલે ધાકધમકી જેવી ઘટના ન બને.
પત્રમાં એમ કહેવાયું છે કે,ધાકધમકીના સંજોગોમાં ફરિયાદ કરવા માટે ખાસ હેલ્પલાઈન ડેસ્ક ઉભુ કરવામાં આવે.આ પ્રકારના કાયદાકીય નિયમો લાગુ થવાના સંજોગોમાં જ ‘લોનશાર્ક’ કાબૂમાં આવી શકશે અને નાના વેપાર-ઉદ્યોગકારોને રાહત મળી શકશે.