ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન રાજ્યના કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલ વગેરે તેમને રાજભવન ખાતે મળ્યા હતા.મંત્રીઓ પાસે તેમના વિભાગને લગતી કામગીરી અંગે પણ તેમણે વાતચીત કરી હતી.ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદી વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે.સોમવારે સાંજે વિદ્યા સમીક્ષક કેન્દ્રની મુલાકાત સમયે તમામ મંત્રીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા ન હતા.જોકે, કેટલાક મંત્રીઓએ રાજભવન ખાતે સાંજે તેમની મુલાકાત લીધી હતી.રાજ્ય કક્ષાના કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ સાથેની મુલાકાત દરમિયાન રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરીંગ હબ બને તે મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી.ગુજરાત ૨૦૩૦ સુધીમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર ૫૦૦ ગીગા વોટના ઉત્પાદનનું લક્ષ્ય પ્રાપ્ત કરે તે માટે ચાલતી કામગીરી વિશે પણ તેમણે મંત્રી સાથે ચર્ચા કરી હતી.તાજેતરમાં ગુજરાતમાં વીજળીની ખેંચ પડી તે સંદર્ભે પણ ગુજરાતની ચારે વીજ કંપનીઓની કામગીરી અને તેમાં સુધારો કરીને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ક્ષમતા વધે અને નાગરિકોને શ્રેષ્ઠ સુવિધા મળે તેવું માળખું ગોઠવવા ચર્ચા કરવામાં આવી હતી.ઝીંગા ફાર્મિંગ કરતા માછીમારોને સાંકળીને અમૂલ પેર્ટન પ્રમાણે ગામે ગામ સહકારી મંડળી બનાવીને તે મંડળીઓનું એક ફેડરેશન બનાવવામાં આવે તેવું માળખું ઉભું કરવા પણ ચર્ચા કરાઇ હતી.
મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, તેમના ઓલપાડ વિસ્તારમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા, આવાસ યોજના અને કિસાન સન્માન નિધિ વિગેરેમાં લાભાર્થીઓ અંગેની માહિતી પણ પીએમને અપાઇ હતી.માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ પણ સપરિવાર મુલાકાત લીધી હતી.તો મહેસૂલ મંત્રી ત્રિવેદીએ પણ મુલાકાત લઇને પીએમ મોદીને વિશ્વના લોકપ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા હતા.મંત્રીઓ સાથે વાતચીત કરીને તેમના વિભાગની કામગીરી કેવી ચાલી રહી છે તે અંગે જાણકારી મેળવી હતી.