તાઉતે વાવાઝોડાનું લેન્ડફોલ થયા બાદ વેરાવળમાં તેણે તબાહી સજીર્ છે.વાવાઝોડાને કારણે વેરાવળનો દરિયો એટલો ગાંડોતૂર બની ગયો હતો કે, કાંઠે લાંગરવામાં આવેલી બોટને પણ દરિયામાં ખેંચીને લઈ ગયો હતો.આવામાં વેરાવળના દરિયામાં 5 બોટ ફસાઈ હતી. જેમાં એક બોટ ડૂબી ગઈ હતી,અને અન્ય બે બોટમાં 8 લોકો ફસાયા છે.જેઓની રેસ્ક્યૂ કામગીરી હાલ સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
વેરાવળમાં વાવાઝોડું તાઉતે પસાર થયા બાદની અસર સામે આવી રહી છે.વેરાવળ બંદરે 5 બોટ ભારે પવનના કારણે મજબૂત બાંધેલી વિશાળ બોટ દરિયામાં તણાઈ હતી.ગતરાત્રે જેટીમાં તમામ બોટ બાંધેલી હતી.પરંતુ ભારે પવનને કારણે એન્કર અને દોરડા તૂટ્યા હતા.જેથી પાંચ બોટ દરિયામાં જતી રહી હતી. પાંચમાંથી એક બોટ દરિયામાં પવનને કારણે ઝોલા ખાતી હતી,જે ક્ષણવારમાં જ ડૂબી ગઈ હતી.આ બોટમાં સવાર લોકો બીજી બોટ પર જતા રહ્યા હતા,જેથી પોતાનો જીવ બચાવી શક્યા હતા.ત્યારે આ બે બોટ હજી પણ પાણીમાં છે.આ બંને બોટમાં 8 લોકો સવાર છે.જેમને બચાવવા માટે એનડીઆરએફ,મામલતદાર,પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
હાલ દરિયામાં ભારે પવન હોવાથી હેલિકોપ્ટરથી બચાવ કામગીરી શક્ય નથી.પવનની ગતિ વધુ હોવાથી હેલિકોપ્ટરનો ઉપયોગ નહિ થઈ શકે.ત્યારે કોસ્ટગાર્ડની આ કામગીરીમાં મદદ લેવાઈ રહી છે.કોસ્ટગાર્ડ દ્વારા સ્પીડ બોટનો ઉપયોગ કરીને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન હાથ ધરાયા છે.જો બે બોટમાં રહેલા લોકોને જલ્દી બચાવી લેવામાં નહિ આવે તો આ બોટમાં પણ પાણી ભરાઈ જશે.દરિયામા દર મિનિટે પરિસ્થિતિ બદલાઈ રહી છે,જેથી રેસ્ક્યૂ કામગીરી પણ મુશ્કેલ બની રહી છે.