મુંબઈની સેશન્સ કોર્ટ ગુરુવારે પણ ડ્રગ્સ કેસના આરોપી ભાઈ-બહેન રિયા અને શૌવિકની જામીન અરજી પર કોઈ નિર્ણય કરી શકી ન હોવાથી હવે આજે આ કેસની સુનાવણી થઈ રહી છે.રિયા-શૌવિકના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીનો એનસીબી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો.એનસીબીએ કહ્યું કે,ડ્રગ્સ કેસના મૂળિયા ઘણા ઊંડા હોવાથી વધુ તપાસની જરૂર છે.કેસ પૂરો થયો નથી.એનસીબીના અધિકારીઓ ચાર-પાંચ દિવસથી ઘેર પણ ગયા નથી,આ કેસની સતત તપાસ કરી રહ્યા છે.બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે આ કેસનો ચુકાદો શુક્રવાર સુધી મોકૂફ રાખી દીધો હતો.મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી રદ થયા બાદ રિયાના વકીલ સતીશ માનશિંદેએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.માનશિંદેએ કોર્ટમાં જણાવ્યું હતું કે રિયાએ દબાણમાં આવીને પોતાનું નિવેદન આપ્યું છે. તેણે કોઈ ગુનો કર્યો નથી. મને આ બધું કહેવા માટે દબાણ કરાયું હતું.
રિયાના ભાઈ શૌવિકનું કબૂલનામું : રિયાના કહેવાથી ડ્રગ્સની ખરીદી કરી
ડ્રગ્સ કેસના આરોપી રિયાના ભાઈ શૌવિકે સુશાંતના ઘેર ડ્રગ્સનો સપ્લાય પૂરો પાડયો હોવાની કબૂલાત કરી લીધી છે.પોતાના કબૂલનામામાં શૌવિકે કહ્યું હતું કે ૧૬ માર્ચે રિયાએ મને મેસેજ કર્યો હતો અને જણાવ્યું કે સુશાંતને મારિજુઆના અને હેશની જરૂર છે. ત્યાર બાદ મેં અબ્દુલ બાસિતનો સંપર્ક સાધ્યો હતો અને તેની વ્યવસ્થા કરાવી આપી હતી.શૌવિકે જણાવ્યું કે માર્ચ મહિનામાં લોકડાઉન દરમિયાન મેં વિલાત્રા અને બાસિત પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને રિયાએ તેના પૈસા ચૂકવ્યા હતા. શૌવિકે કહ્યું કે મને યાદ છે કે ૧૫ એપ્રિલે સેમ્યુઅલ મિરાન્ડાએ વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો અને સુશાંત માટે ડ્રગ્સની વાત કરી હતી. ડ્ગ્સ માટે દીપેશ સાવંતે પણ મારો સંપર્ક સાધ્યો હતો.મેં મારી બહેન રિયા સાથે પણ આ જ સંબંધમાં વાત કરી હતી.
સુશાંતની બહેન શ્વેતાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ભાઈનો એક જૂનો વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં સુશાંત એક નાનકડી છોકરીને પોતાના હાથે ખવડાવી રહેલો જોઈ શકાતો હતો. સુશાંત જ્યારે ૨૦૧૯માં તેની ફિલ્મ સોનચીડિયાનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારનો આ વીડિયો છે.વીડિયો શેર કરતા શ્વેતાએ લખ્યું કે એક ખૂબસૂરત અને કેર કરનાર દિલ.સાથે શ્વેતાએ હેશટેગમાં #JusticeForSushantSinghRajput પણ લખ્યું.આ વીડિયો ખૂબ વાઇરલ થયો હતો અને લોકોએ સુશાંતની ભરપૂર પ્રશંસા કરી હતી.
શા માટે ન્યૂઝ ચેનલોને કાબૂમાં રાખવા માટેનું કોઈ તંત્ર નથી ? બોમ્બે હાઇકોર્ટનો સવાલ
સુશાંતનાં મોત કેસમાં ત્રણ એજન્સીઓની અલગ અલગ તપાસ સંબંધિત પૂર્વ આઇપીએસ અધિકારીઓની અરજીઓમાં એનસીબી અને ઈડીને પણ પક્ષકાર બનાવવાનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ છે.ચીફ જસ્ટિસ દિપંકર દત્ત અને જસ્ટિસ જીએસ કુલકર્ણીની આગેવાનીવાળી હાઈકોર્ટની ખંડપીઠે આઈપીએસ અધિકારીઓની જનહિતની અરજી સાંભળતા રાજ્ય સરકાર પાસેથી એવું પણ જાણવા માગ્યું હતું કે શા માટે ઇલેક્ટ્રોનિક મીડિયાને નિયંત્રિત કરવા માટેની કોઈ પ્રણાલી નથી.પૂર્વ આઈપીએસ અધિકારીઓએ બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને સુશાંત કેસની મીડિયા ટ્રાયલનો વિરોધ નોંધાવ્યો હતો.અરજદારોએ તેેમની અરજીમાં જણાવ્યું હતું કે સુશાંત કેસમાં ન્યૂઝ ચેનલો મનફાવે તેવી રીતે સમાચાર આપી રહી છે તેને કારણે લોકોને મુંબઈ પોલીસની સામે પૂર્વગ્રહ બંધાયો છે.પૂર્વ આઈપીએસ અધિકારીઓના વકીલ ડો. મિલિંદ સાઠેએ એવું જણાવ્યું કે ૩ સપ્ટેમ્બર બાદ કેટલીક ન્યૂઝ ચેનલો મુંબઈ પોલીસની બેફામ નિંદા કરતી ખબરો ચલાવ્યા કરતી હતી.વકીલે તેમના આ દાવાના ટેકામાં કેટલીક ન્યૂઝ ચેનલના રિપોર્ટ પણ રજૂ કરાયા હતા અને આવી ચેનલોને પક્ષકાર બનાવાની પણ માગ કરી હતી.અરજદારોએ હાઈકોર્ટની ખંડપીઠને એવી જાણ કરી કે ૩ સપ્ટેમ્બરના આદેશમાં મીડિયાને સુશાંત કેસના કવરેજ દરમિયાન હદમાં રહેવાનું જણાવાયું હતું તેમ છતાં પણ તેઓ આદેશનું પાલન કરી રહ્યાં નથી.
સેશન્સ કોર્ટમાં રિયાના વકીલ સતીશ માનશિંદેની ૩ દલીલ
– એનસીબીએ પૂછપરછ દરમિયાન આરોપ કબૂલવા માટે દબાણ કર્યું.
– રિયાની પૂછપરછ દરમિયાન કોઈ મહિલા અધિકારીને હાજર ન રખાયા.
– રિયાની ધરપકડની જરૂર નહોતી. તેની આઝાદી પર ખોટી રીતે રોક લગાવાઈ. રિયાને ફસાવાઈ રહી છે.
– રિયાની જામીન અરજીના વિરોધમાં એનસીબીની ૩ દલીલ
– રિયાની પૂછપરછ દરમિયાન પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખ્યું.
– રિયાની સામે ઇલેક્ટ્રોનિક્સ અને બીજા ઘણા પુરાવા છે.
– ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ઘણા લોકોએ રિયા સાથેના સંપર્કની વાત કબૂલી છે.