સુરત : શહેરમાં ફરી એક વખત પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.આ વખતે કોરોનાને સંક્રમણના ખતરાને કારણે હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોએ હોબાળો કરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જે બાદમાં પોલીસ એક્શનમાં આવી હતી અને લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલનો પણ પ્રયોગ કરવો પડ્યો હતો.સુરત શહેરના સચિન વિસ્તારમાં બુધવારે રાત્રે આ બનાવ બન્યો હતો.આ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે.મળતી માહિતી પ્રમાણે હોમ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો.
પથ્થરમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સચિન જીઆઈડીસી વિસ્તારના જે જગ્યાએ આ બનાવ બન્યો હતો ત્યાં કોરોના પોઝિટિવનો એક દર્દી છે.આથી વિસ્તારમાં લોકોનો હોમ ક્વૉરન્ટીન કરાયા છે.રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ આ લોકોએ અંદરોઅંદર ઝઘડો કર્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા.આ વિસ્તારમાં પોલીસ પોઇન્ટ હોવાથી પોલીસ તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
આ મામલે પોલીસે 30 થી 40 લોકોની રાત્રે જ અટકાયત કરી લીધી હતી.પથ્થરમારાની ઘટનામાં પોલીસના કોઈ જવાનને ઇજા પહોંચી નથી. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં વધારાનો કાફલો ખડકી દીધો હતો.સાથે જ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે તપાસ બાદ જે લોકો સામેલ હશે તેમની ધરપકડ કરવામાં આવશે.પથ્થરમારો થયો ત્યારે પોઈન્ટ ઉપર ચાર પોલીસકર્મી હાજર હતા.જે બાદમાં વધારાનો સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો હતો.
બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોમ ક્વૉરન્ટી રહીને કંટાળેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.જે બાદમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને પોલીસે તેમને અટકાવતા પથ્થરમારો કર્યો હતો.મળથી માહિતી પ્રમાણે પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયરગેસના સેલનો પ્રયોગ કરવો પડ્યો હતો.જ્યારે પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે ટિયરગેસનો ઉપયોગ નથી કરાયો.