કોરોના કહેર વચ્ચે રાજ્યમાં મહિલાઓ પણ શારીરિક અને માનસિક ત્રાસના બનાવો પણ તેટલા જ વધી રહ્યા છે.લોકડાઉન હોવાના કારણે ઘરમાં પણ મહિલાઓનું શોષણ થઈ રહ્યું છે. ત્યારે આજે સુરતના ઘોડદોડ રોડ ઉપર ગરબા કલાસિસ દરમિયાન પ્રેમ થતા ડુમસ રોડ ઉપર કારમાં શારીરિક સંબંધ બાંધવા દરમિયાન મોબાઈલમાં ફોટો પાડી લઈ તેને આધારે યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા માટે બ્લેકમેઈલ કરી રહેલાં માજી કોર્પોરેટરના પુત્ર વિરુદ્ધ સિટીલાઈટ રોડની યુવતીએ ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ઉમરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સિટીલાઈટ વિસ્તારમાં રહેતા રાજસ્થાની પરિવારની યુવતી અક્ષરા (નામ બદલ્યુ છે)ને છેલબટાઉ યુવકે ફસાવી હતી.અક્ષરા 2015માં ઘોડદોડ રોડ ઉપર સૂર્યકિરણ કોમ્પલેક્સમાં ચાલતા ક્લાસિસમાં ગરબા શીખવા જતી હતી. અહીં અમરોલી હરિધામ સોસાયટીમાં રહેતાં ધવલ વિજય પટેલ સાથે સંપર્કમાં આવી હતી. ગરબા શીખતા થયેલો પરિચય ધીરે ધીરે પ્રેમમાં પરિણમ્યો હતો. બન્ને વચ્ચે પ્રેમ થઈ જતાં તેઓ વારંવાર ધવલની કારમાં ડુમસ રોડ ઉપર ફરવા જવા માંડ્યા હતા. તે દરમિયાન કારમાં તેઓ વચ્ચે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા.
એક વખત ધવલે પોતાના મોબાઈલ ફોનમાં બન્નેની અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ ફોટો વાઈરલ કરી દેવાની ધમકી આપી છેલ્લાં ચાર વર્ષથી પોતાની સાથે સંબંધ બાંધવા માટે વિજય દબાણ કરતો હતો.સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધો હોવા છતાં પણ મેઈલ અને વોટ્સએપ મારફતે પરિવારના સભ્યોને વાઈરલ કરી દેવાની ધમકી આપતો હતો.
અક્ષરાનો પરિવાર ધવલને સમજાવવા તેના ઘરે પણ ગયો હો. પરંતુ તેણે ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ કર્યો હતો.ફોટા ફરતા કરવાની ધમકીથી કંટાળેલી યુવતી આખરે બુધવારે ઉમરા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ભાજપના માજી કોર્પોરેટર વિજય પટેલના પુત્ર ધવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.