અમદાવાદ : શેરબજારમાં ત્રીજા દિવસે સુધારો જળવાયો હતો. સપ્તાહના પ્રારંભમાં જ સેન્સેક્સ 1041 પોઇન્ટ વધીને ચાર સપ્તાહની ઊંચાઇએ 55,925.74ની સપાટીએ બંધ રહ્યો હતો.નિફ્ટી 308.95 પોઇન્ટ વધીને 16,661.40ના સ્તરે બંધ રહ્યો હતો.ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 2,176 પોઇન્ટનો ઊછાળો આવ્યો હતો અને રોકાણકારોની મૂડીમાં આ ગાળામાં ~10 લાખ કરોડની રિકવરી થઈ હતી.
સોમવારે બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન ~5.29 લાખ કરોડ વધીને ~258.43 લાખ કરોડના સ્તરે રહ્યું હતું જે ગત્ શુક્રવારે ~253.13 લાખ કરોડ હતું.આઇટી અને રિલાયન્સની આગેવાનીએ બેન્ચમાર્ક લગભગ બે ટકા વધ્યા હતા.20મી મે પછીનો આ સૌથી મોટો ઊછાળો હતો.બજારમાં છેલ્લા ત્રણ દિવસમાં આવેલા સુધારા પાછળ રૂપિયામાં સ્થિરતા અને એફપીઆઇની ઘટેલી વેચવાલી મુખ્ય કારણ હતા.આ ઉપરાંત વૈશ્વિક શેરબજાર સુધરતા સ્થાનિકમાં શોર્ટ કવરિંગ વધ્યું હતું.જેને પગલે નિફ્ટી 20 દિવસની મુવિંગ એવરેજની ઊપર નીકળી હતી તો નિફ્ટી વીઆઇએક્સ પણ લગભગ બે મહિના પછી પહેલીવાર 20ના સ્તરની નીચે સરકી હતી.સોમવારના હજાર પોઇન્ટથી વધુ ઊછાળામાં કેરળમાં નિયમ સમય કરતાં ચોમાસું વહેલું બેસતા મંદીનું સેન્ટીમેન્ટ પલળ્યું હતું અને તેમાં તેજીની કૂપણ ફૂંટી હતી.
સેક્ટોરલ આંકમાં કન્ઝયુમર ડ્યુરેબલ આંક સૌથી વધુ સુધર્યો હતો.આઇટી,રિયલ્ટી,ઓઇલ એન્ડ ગેસ આંકમાં પણ બેથી ત્રણ ટકા સુધીનો સુધારો થયો હતો.છેલ્લા એક મહિનામાં સૌથી વધુ પીટાયેલા સમોલ કેપ શેરોમાં પણ વેચવાલી અટકી હતી.મિડ અને સ્મોલ આંક બે ટકાથી વધુ સુધર્યા હતા.બધા જ સેક્ટોરલ આંક સુધારા સાથે બંધ રહ્યા હતા.જ્યારે સેન્સેક્સની 30 સ્ક્રિપ્સમાંથી 26માં સુધારો હતો તો 4 ઘટીને બંધ હતી.ટાઇટન સૌથી વધુ પાંચ ટકા વધી હતી.હેવીવેઇટ આઇટી શેરોમાં ઇન્ફોસિસ સૌથી વધુ 4.6 ટકા વધ્યો હતો.