ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં આવેલ ‘તાઉતે’ વાવાઝોડા દરમિયાન વરસાદ અને ભારે પવનને કારણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત એવા અમરેલી,ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી તે તમામ જિલ્લાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉર્જા મંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવેલું જેના કારણે આવશ્યક સેવાઓ જેમ કે, કોવિડ હોસ્પિટલ,વારિગૃહો જેવા વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુર્વવત કરવામાં આવેલ પરંતુ વીજ થાંભલાઓ અને વીજ લાઈનોને થયેલા નુકસાન વ્યાપક પ્રમાણમાં હોઈ તમામ વીજ ગ્રાહકોને ઝડપથી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થાય તે માટે રાજ્યના વીજ તંત્રના અધિક્ષક ઈજનેર,અધિક મુખ્ય ઈજનેર,મુખ્ય ઈજનેર અને મેનેજીંગ ડિરેક્ટર કક્ષાના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જે વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તે વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોની જવાબદારી સોંપીને યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાગરિકોને સત્વરે વીજપુરવઠો પુરો પાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરતા કોન્ટ્રાકટરોને કરવાની થતી કામગીરી માટેના પ્રવર્તમાન દરોમાં પણ 50 ટકાનો વધારો કરી તે મુજબ મહેનતાણાનું ચૂકવણું કરવાનો ઉર્જા વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.એટલું જ નહીં પરંતુ તાકીદે વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવાની કઠીન કામગીરીમાં રાત-દિવસ વ્યસ્ત વીજ કર્મચારીઓને પણ મળતા દૈનિક ભથ્થુ બમણું આપવાનો પણ નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યુ કે, વાવાઝોડાને કારણે આ વિસ્તારોમાં વીજ થાંભલાઓ,વીજ વાયર,વીજ ટ્રાન્સફર્મર અને અતિ ભારે દબાણના વીજ ટાવરોને ભારે નુકસાન થયેલ છે જેના પરિણામે આ જિલ્લાઓના કેટલાક શહેરો અને ઘણાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે.આ માટે દક્ષિણ ગુજરાત વીજકંપની લીમીટેડના 400થી વધુ અધિકારી-કર્મચારીઓ સુરતથી રોરોફેરી સર્વિસ દ્વારા જરૂરી વાહનો માલસામાન સાથે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે અને આ સમગ્ર કામ આ જિલ્લામાં ચોવીસ કલાક ખડે પગે કામગીરી કરીને શક્ય એટલો ઝડપી વીજપુરવઠો પૂર્વવત કરાશે.
.